ડિજિટલ હૉર્ડિગ્સ માટે મુંબઈ પાલિકા કરાવશે સર્વેક્ષણ, લેશે કૉલેજિયનોની મદદ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગર પાલિકાએ રસ્તા પર લાગેલા ડિજિટલ હૉર્ડિંગ્સમાં ફ્લિકરિંગ જાહેરાતો અને વીડિયો ડિસ્પ્લે બેસાડવાની મંજૂરી આપવી કે નહીં તેને લગતું સર્વેક્ષણ કરવાની યોજના બનાવી રહી છે અને તે માટે અગ્રણી કૉલેજના વિદ્યાર્થીઓની મદદ લેવાનો વિચાર કરી રહી છે. ડિજિટિલ હૉર્ડિંગ્સને કારણે ડ્રાઈવિંગ કરનારી વ્યક્તિની આંખને ત્રાસ થતો હોવાનું અને ધ્યાન ડાઈવર્ટ થતું હોવાની ફરિયાદ અનેક વાહનચાલકો કરી ચૂક્યા છે, ત્યારે નાગરિકોનો આ સર્વેક્ષણ પાલિકાને મદદરૂપ થઈ રહેશે એવો દાવો પાલિકાએ કર્યો હતો.
ડિજિટલ હૉર્ડિંગ્સની વધતી જતી માગણીને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકાએ તાજેતરમાં જ શહેરમાં ડિજિટલ જાહેરાતોને નિયંત્રણમાં રાખવા માટે અલગથી ગાઈડલાઈન બનાવી છે, જેમાં ડિજિટલ હૉર્ડિંગ્સ પર ફ્લિકરિંગ જાહેરાતો અને વીડિયો ડિસ્પ્લે પર પ્રતિબંધ મૂકવાની રજૂઆત કરવામાં આવી છે. હૉર્ડિંગ્સને લગતી આ પૉલિસી પર લોકો સલાહ-સૂચનો આવ્યા બાદ તેના પર અંતિમ મોહર મારવામાં આવવાની છે. આ દરમિયાન પાલિકા ડિજિટલ હૉર્ડિંગ્સને લઈને નાગરિકોનું સર્વેક્ષણ કરવાની યોજના બનાવી રહી છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ પાલિકાએ હૉર્ડિંગ્સની પૉલિસીને લગતો ડ્રાફ્ટ બનાવ્યો છે, તેના પર નાગરિકો પાસેથી સલાહ-સૂચનો તો મંગાવ્યા છે. સામાન્ય રીતે બહુ ઓછા નાગરિકો સલાહ આપવા કે વિરોધ દર્શાવવા આગળ આવતા હોય છે. તેથી એવો વિચાર કર્યો કે જો વાહનચાલકો, ટેક્સી ડ્રાઈવરો વગેરે લોકોનો સર્વેક્ષણ કરવામાં આવે તો તેમના વિચારો જાણી શકાય છે.
આખો દિવસ ડ્રાઈવિંગ કરનારી વ્યક્તિને ડિજિટલ હૉર્ડિંગ્સ પર ફ્લિકરિંગ કરતી જાહેરાત, વીડિયો હૉર્ડિંગ્સથી ત્રાસ થાય છે કે તે વધુ ચોક્કસ રીતે કહી શકે છે. તેથી આ લોકોનો સર્વેક્ષણ કરીએ તો રસ્તા પર લાગેલા ડિજિટલ હૉર્ડિંગ્સમાં વીડિયો રાખવા કે નહીં, તેની લાઈટ કેટલી હોવી જોઈએ, કેટલા સેક્ધડની તે હોવી જોઈએ જેવી માહિતી ભેગી કરવાનો વિચાર છે.
ત્યારબાદ પૉલિસીમાં હજી કોઈ સુધારો-વધારો કરવો હોય તો કરી શકાય છે. સર્વેક્ષણ કરવા અમે મુંબઈની જાણીતી કૉલેજની મદદ લેવાનો વિચાર કરી રહ્યા છે. કૉલેજના વિદ્યાર્થીઓની મદદથી આ સર્વેક્ષણ કરવાનું સરળ રહેશે.
નોંધનીય છે કે શહેરમાં હાલ ૬૭ ડિજિટલ હૉર્ડિંગ્સ છે, જેમાં વધારાના ૮૦થી ૧૦૦ અરજીઓને મંજૂરી આપવાની બાકી છે. ડિજિટલ ડિસ્પ્લેના નિયમમાં સુધારો કરવા પાલિકાએ વર્તમાન હૉર્ડિંગ્સની પૉલિસી માટે નવો ડ્રાફ્ટ બનાવ્યો છે, જેના પર ૨૮ ઑગસ્ટ સુધી જાહેર સૂચનો અને વાંધાઓ માટે ખુલ્લી રહેશે. નવી ડ્રાફ્ટ પૉલિસીમાં ડિજિટલ અને ઈલેક્ટ્રોનિક જાહેરાતોને રાતના ૧૧ વાગે બંધ કરી દેવાનું પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે.