ઘાટકોપરમાં તૂટી પડેલું હૉર્ડિંગ ગેરકાયદે, GRR અને હૉર્ડિંગ લગાવનારી કંપની સામે BMC નોંધાવશે FIR
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપર પૂર્વમાં (Ghatkopar) ઈસ્ટર્ન એક્સપ્રેસ (Eastern Express highway)હાઈવે પર તૂટી પડેલું વિશાળ હૉર્ડિંગ્સ (Hoarding)ગેરકાયદે હતું અને તેને લગાડવાની કોઈ પણ પ્રકારની મંજૂરી મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ આપી ન હોવાનું BMC કમિશનર ભૂષણ ગગરાણીએ સોમવારે જણાવ્યું હતું.
પાલિકાએ હૉર્ડિંગ્સને તાત્કાલિક ધોરણે દૂર કરવા માટે નોટિસ બહાર પાડવાની છે તેમ જ જમીનનો કબજો ધરાવતી ગર્વમેન્ટ રેલવે પોલીસ(GRP) સામે તેમ જ હૉર્ડિંગના માલિક ઈગો મિડિયા (Ego Media)સામે પોલીસમાં FIR દાખલ કરવાની હોવાનું કમિશનરે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું.
ઘાટકોપર, છેડા નગરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર હૉર્ડિંગ્સ બરોબર દેખાય તે માટે કથિત રીતે ઝાડોને ઝેર આપીને મારી નાખવામાં આવ્યા હતા. આ મામલે ગયા વર્ષે જૂનમાં પાલિકાએ પંત નગર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. આ વર્ષે એપ્રિલમાં આ રીતે જ ઝાડને મારી નાખવા બદલ પાલિકાએ બે ફરિયાદ અને ત્રણ FIR નોંધાવી હતી. આ દરમિયાન પાલિકાના લાઈસન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આંતરિક ધોરણે કરવામાં આવેલી તપાસ દરમિયાન જણાઈ આવ્યું હતું કે આ જમીનનો કબજો GRP પાસે છે અને તેથી તેમના દ્વારા હૉર્ડિંગ્સ લાવવાની પરવાનગી આપવામાં આવી હતી.
સોમવારે પેટ્રોલ પંપ પર જે હૉર્ડિંગ્સ તૂટી પડ્યું હતું તે ૧૨૦ X ૧૨૦ ફીટ સાઈઝનું છે, જ્યારે પાલિકાના નિયમ મુજબ ૪૦ X ૪૦ ફીટથી વધુ કદના હૉર્ડિંગને મંજૂરી આપવામાં આવતી નથી. તેથી અમે જમીનના માલિકને આ બાબતે તપાસ કરવા અને જરૂરી પગલા લેવા માટે જાણ કરી હોવાનું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
BMC ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ જો હૉર્ડિંગ્સ ખાનગી જમીન પર ઊભું કરવામાં આવ્યું હોય તો પણ તેઓએ પાલિકા પ્રશાસન પાસેથી લાયસન્સ લેવાની જરૂર છે. લાઈસન્સ ડિપાર્ટમેન્ટ પછી સાઈટનું ઈન્સ્પેકશન કરે છે અને પછી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી તપાસે છે, ત્યારબાદ જ હૉર્ડિંગ માટે મંજૂરી આપવામાં આવે છે. જોકે ઘાટકોપરના આ કેસમાં GRRએ ડિસેમ્બર, ૨૦૨૧માં હૉર્ડિંગ્સ લગાવવા માટે મંજૂરી આપી હતી. પરંતુ હૉર્ડિંગના માલિક દ્વારા પાલિકાની મંજૂરી લેવામાં આવી નહોતી. પાલિકાએ ગયા વર્ષે આ હૉર્ડિંગ લગાવનારી ઈગો મિડિયા નામની કંપનીને નોટિસ પણ ફટકારી હતી.
પાલિકા કમિશનર ગગરાણીએ વધુમાં જણાવ્યું હતું કે હૉર્ડિંગ્સ ગેરકાયદે હતું અને વારંવાર અમે જમીનના માલિકના ધ્યાનમાં આ વાત લાવી હતી. તેથી તમામ સંબંધિત ઓથોરિટીવાળા, જમીનનો કબજો ધરાવતી ઓથોરિટી અને હૉર્ડિંગના માલિક સામે FIR નોંધાવાના છીએ. તેમ જ ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના થાય નહીં તે માટે અહીં રહેલા અન્ય ત્રણ હૉર્ડિંગ્સને દૂર કરવાની નોટિસ પણ જારી કરવામાં આવી છે.
નોંધનીય છે પેટ્રોલ પંપ પાસે આ જમીન પર ચાર હૉર્ડિંગ્સ ઊભા કરવામાં આવ્યા હતા, તેમાંથી એક સોમવારે તૂટી પડ્યું હતું.