મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ઠંડીનું જોર વધ્યું, દસ વર્ષમાં સૌથી નીચું તાપમાન નોંધાયું

મુંબઇઃ હાલ મુંબઇ સહિત સંપૂર્ણ રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના ઘણા જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું છે. મુંબઈ સહિત ઉપનગરોમાં ઠંડીની તીવ્રતા વધી રહી છે. મુંબઈમાં આજે લઘુત્તમ તાપમાન 18.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મુંબઈનું આ તાપમાન છેલ્લા દસ વર્ષમાં નવેમ્બર મહિનામાં સૌથી ઓછું તાપમાન છે. મુંબઈગરાઓ હાલ મસ્ત મસ્ત ગુલાબી ઠંડીની મજા માણી રહ્યા છે.
હાલમાં ઉત્તર દિશામાંથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનોને કારણે મહારાષ્ટ્રમાં ઠંડીનું જોર વધ્યું છે. મુંબઈની સાથે સાથે થાણે, ડોંબિવલી, કલ્યાણ અને પશ્ચિમી ઉપનગરોમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. મુંબઈમાં મોટાભાગના સ્થળોએ તાપમાન 16 ડિગ્રીથી નીચે નોંધાયું છે. તેમજ કેટલીક જગ્યાએ તાપમાનમાં વધુ ઘટાડો નોંધાયો છે. કોલાબામાં તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન ખાતાની આગાહી મુજબ મુંબઈમાં ઠંડીનું જોર આગામી બે દિવસ સુધી યથાવત રહેશે. હાલમાં મુંબઈમાં સર્વત્ર ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. મુંબઈમાં વિઝિબિલિટી પણ ઘટી ગઇ છે.
Also read: મુંબઈમાં ધીમા પગલે ઠંડીનું આગમન
મુંબઈમાં આગામી બે દિવસ તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે. મુંબઈમાં દિવસનું તાપમાન સરેરાશ કરતા નીચું હોવાથી બપોરનો સમય પણ મુંબઈગરાઓ માટે આહલાદક બની રહ્યો છે. મુંબઈનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન આજે અનુક્રમે 33 ડિગ્રી અને 18 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. 3 ડિસેમ્બર પછી બંગાળની ખાડીમાં વાતાવરણ બદલાશે. ત્યાર બાદ ઠંડી ઓછી થવાની શક્યતા છે.
છેલ્લા કેટલાક દિવસોથી પૂણે શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ઠંડીનું જોર વધ્યું છે. મહારાષ્ટ્રમાં મહાબળેશ્વર અને લોનાવલા ઠંડા હવામાનના સ્થળો તરીકે પ્રખ્યાત છે, પણ હાલમાં પૂણેમાં મહાબળેશ્વર, લોનાવાલા કરતાં ઓછું તાપમાન છે. હવામાન વિભાગના ડેટા અનુસાર, શુક્રવારે પૂણેમાં 9.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જ્યારે મહાબળેશ્વરમાં 10.5 ડિગ્રી અને લોનાવલામાં 17.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. પુણેમાં સતત ત્રણ દિવસ સુધી તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં નોંધાયો હતો. પુણેના શિવાજીનગર વિસ્તારમાં વર્તમાન સીઝનનું અત્યાર સુધીનું સૌથી ઓછું 9.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.
Also read: મુંબઈમાં ઠંડી-ગરમી મિશ્ર વાતાવરણ
મુંબઈ, પુણે ઉપરાંત કોંકણમાં પણ ગુલાબી ઠંડીનો અનુભવ થયો છે. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. કોંકણના અનેક ગામો ધુમ્મસની ચાદરમાં છુપાઇ ગયા છે. સહ્યાદ્રીના ઊંચા પર્વતો પણ ગાઢ ધુમ્મસમાં ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. તાપમાનમાં ઘટાડો થતાં કોંકણમાં ઘણી નદીઓના કિનારે ધુમ્મસ જોવા મળી રહ્યું છે. રત્નાગીરી જિલ્લાના ઘણા ગ્રામીણ વિસ્તારોમાં કુદરત સોળે કળાએ ખીલી હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.