Top Newsઆમચી મુંબઈ

મુંબઈમાં ફરી ઠંડીનો ચમકારો : પારો ૧૫.૭ ડિગ્રી

૧૩ વર્ષમાં નોંધાયેલું સૌથી નીચું તાપમાન, રાજ્યમાં સોલાપુરના જેઉરમાં આઠ ડિગ્રી તાપમાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાએ રવિવારે વહેલી સવારે ફરી એક વખત ઠંડીનો અનુભવ કર્યો હતો. ૧૫.૭ ડિગ્રી તાપમાન સાથે રવિવાર ચાલુ મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. તાપમાનમાં એક જ દિવસમાં છ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો. છેલ્લા ૧૩ વર્ષમાં પહેલી વખત નવેમ્બરમાં તાપમાનનો પારો ૧૬ ડિગ્રીની નીચે નોંધાયો હતો.

આ અગાઉ ૧૯ નવેમ્બર, ૨૦૧૨ના ૧૪.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં પણ સૌથી નીચું તાપમાન સોલાપુર જિલ્લાના જેઉરમાં આઠ ડિગ્રી નોંધાયું હતું. મુંબઈમાં ગયા આખા અઠવાડિયા દરમ્યાન મુંબઈગરાએ ગરમી અને ઉકળાટનો અનુભવ કર્યો હતો. દિવસ દરમ્યાન વાદળિયા વાતાવરણની સાથે ઉકળાટ તથા લઘુતમની સાથે જ મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો. જોકે રવિવારે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો હતો.

હવામાન વિભાગના આંકડા મુજબ રવિવારે સવારના કોલાબામાં મહત્તમ તાપમાન ૨૦.૫ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા બે ડિગ્રી ઓછું હતું અને સાંતાક્રુઝમાં ૧૫.૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૪.૪ ડિગ્રી ઓછું છે. હજી શનિવારે સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાન ૨૧.૮ ડિગ્રી નોંધાયું હતું અને ૨૪ કલાકની અંદર જ તેમાં લગભગ છ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો.

રવિવારનું ૧૫.૭ ડિગ્રી સાથે છેલ્લા ૧૩ વર્ષનું સૌથી નીચું તાપમાન રહ્યું હતું. તો નવેમ્બર મહિનાનો ઓલ ટાઈમ રેકોર્ડ ૧૯ નવેમ્બર, ૧૯૫૦નો છે, તે દિવસે મુંબઈમાં ૧૩.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મુંબઈમાં છેલ્લા ૧૩ વર્ષમાં ૧૬ ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું નથી. સાંતાક્રુઝમાં આ અગાઉ ૧૯ નવેમ્બરના ૨૦૧૨નાા ૧૪.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગે ત્રણ ડિસેમ્બર સુધી તાપમાનનો પારો ૧૫થી ૧૭ ડિગ્રીની આસપાસ રહેશે એવો અંદાજો વ્યક્ત કર્યો છે, જેમાં પહેલી ડિસેમ્બરના લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રીની આસપાસ અને બીજી ડિસેમ્બરના ૧૪ ડિગ્રીની આસપાસ રહેવાની શકયતા છે. ચાર ડિસેમ્બર બાદ લઘુતમ તાપમાનમાં ફરી વધારો થવાની શક્યતા છે.

ઉત્તર-પૂર્વીય પવનની અસર

મુંબઈ સહિત રાજ્યમાં તાપમાનમાં મોટો ઘટાડો થયો છે અને રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. મુંબઈમાં માત્ર ૨૪ કલાકની અંદર ૬.૧ ડિગ્રીનો અચાનક ઘટાડો નોંધાયો છે. હવામાનના નિષ્ણાતના કહેવા મુજબ હાલ મહારાષ્ટ્ર તરફ પવનો મુખ્યત્વે ઉત્તર-પૂર્વ તરફથી ફૂંકાઈ રહ્યા છે. આ ઉત્તર-પૂર્વીય પવનોએ રાજસ્થાન અને મધ્ય પ્રદેશના તાપમાનમાં ઘટાડો કર્યો છે. તેથી ઉત્તર તરફથી ઠંડા અને સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે મુંબઈના તાપમાનમાં ઘટાડો થયો છે. આ ઘટાડો ઉત્તર કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રને પણ થઈ રહ્યો છે.

છેલ્લા એક દાયકાનો ઠંડો નવેમ્બર

છેલ્લા એક દાયકામાં આ વર્ષનો નવેમ્બર ઠંડો રહ્યો છે. આ અગાઉ નવેમ્બરમાં દિવસનું તાપમાન પણ ઓછું નોંધાયું હતું, જેમાં કોલાબામાં ૨૭ ડિગ્રી અને સાંતાક્રુઝમાં ૨૯ ડિગ્રી તાપમાન રહ્યું હતું. નવેમ્બરની શરૂઆતમાં તાપમાનમાં ઘટાડો પહેલી નવેમ્બરથી ત્રણ નવેમ્બર કમોસમી વરસાદને કારણે થયો હતો, જે છેલ્લા છ વર્ષમાં શહેરનો સૌથી ભીનો નવેમ્બર મહિના તરીકે પણ નોંધાયો હતો.

ફરી તાપમાનમાં વધારો થશે

રવિવારનો દિવસ મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. જોકે આગામી દિવસોમાં તાપમાનમાં ફરી વધારો થવાની શકયતા છે. ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં વધુ એક વેસ્ટર્ન ડિર્સ્ટબન્સ નિર્માણ થવાની શક્યતા છે, તેને કારણે ૧૦થી ૧૧ ડિસેમ્બરની આસપાસ મુંબઈના તાપમાનમાં ફરી ઘટાડો થવાની શક્યતા છે. આગામી ૪૮ કલાકમાં ૧૫ ડિગ્રી સુધી તાપમાન જવાની શકયતા છે.

રાજ્યમાં સૌથી નીચું તાપમાન જેઉરમાં ૮.૦

ઉત્તર-પૂર્વીય પવનોની અસર હેઠળ મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો હતો. રાજ્યના મોટાભાગના જિલ્લામાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. મધ્ય મહારાષ્ટ્રના જેઉરમાં ૮.૦, અહિલ્યા નગર (અહમદ નગર) ૯.૫, જળગાંવમાં ૯.૦, નાશિકમાં ૯.૯, પુણેમાં ૯.૮ ડિગ્રી, મહાબળેશ્ર્વરમાં ૧૧.૪ ડિગ્રી, સાંગલીમાં ૧૩.૯ ડિગ્રી, સતારામાં ૧૨.૪ ડિગ્રી, સોલાપુરમાં ૧૪.૮ ડિગ્રી અને કોલ્હાપુરમાં ૧૫.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મરાઠવાડાના ઔરંગાબાદમાં ૧૦.૨ ડિગ્રી, પરભણીમાં ૧૨.૧ અને વિદર્ભના અમરાવતીમાં ૧૦.૭ ડિગ્રી, યવતમાળામાં ૧૧.૦ ડિગ્રી, નાગપુરમાં ૧૧.૪ ડિગ્રી, વર્ધામાં ૧૩.૦ ડિગ્રી, બુલઢાણામાં ૧૩.૪ ડિગ્રી અને ચંદ્રપુરમાં ૧૩.૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

નવેમ્બરમાં છેલ્લા એક દાયકાનું સૌથી નીચું તાપમાન

૨૦૨૪ – ૧૬.૫ (૨૯)
૨૦૨૩- ૧૯.૭ (૩૦)
૨૦૨૨ – ૧૭.૦ (૨૧)
૨૦૨૧ – ૧૯.૮ (૧૧)
૨૦૨૦ -૧૯.૨ (૧૦)
૨૦૧૯ -૨૦.૫ (૨૬)
૨૦૧૮ -૧૯.૨ (૧૬)
૨૦૧૭ -૧૮.૦(૩૦)
૨૦૧૬ – ૧૬.૩(૧૧)
૨૦૧૫-૧૮.૪ (૨૦)
૨૦૧૪ -૧૮.૨ ( ૨૭,૩૦)
૨૦૧૩ -૧૭.૬ (૨૧,૨૯)
૨૦૧૨-૧૪.૬(૧૯)


રાજ્યમાં હળવા વરસાદની આગાહી
એક તરફ રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે દિટવાહ વાવાઝોડાની અસર મહારાષ્ટ્રને પણ વર્તાવાની શક્યતા છે. કેરળ, તમિળનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગણા, પુદુચેરી અને આંદામાન-નિકોબાર બેટ પર અતિવૃષ્ટિની શકયતા છે ત્યારે મહારાષ્ટ્રમાં વાદળિયું વાતાવરણ વચ્ચે વિદર્ભના અમુક જિલ્લામાં હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદ પડવાની શક્યતા છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button