કોલાબામાં સુધરાઈની બે શાળા બંધ: વાલીઓ પ્રશાસન વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા...

કોલાબામાં સુધરાઈની બે શાળા બંધ: વાલીઓ પ્રશાસન વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: કોલાબામાં મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત બે સ્કૂલ અચાનક બંધ થઈ જવાથી વાલીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ગયા મહિને અચાનક સ્કૂલ બંધ થઈ જતા ઈંગ્લિશ મિડિયમના લગભગ ૧,૫૦૦ વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસિસમાં શિફ્ટ થવાની ફરજ પડી છે, તેને કારણે તેમના શિક્ષણને ફટકો પડયો છે.

કોલાબાના ભૂતપૂર્વ નગરસેવક મકરંદ નાર્વેકર અને અસરગ્રસ્ત વિદ્યાથીઓના વાલીઓએ પાલિકા સત્તાધીશ પાસે વૈકલ્પિક સ્કૂલ બિલ્િંડગની વ્યવસ્થા કરવાની માગ કરી છે. તો પ્રશાસને આ વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બિલ્ડીંગની વ્યવસ્થા નહીં કરી તો તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે રસ્તા પર ઊતરીને વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપી છે. આ બંને સ્કૂલની બિલ્ડિંગ જર્જરીત થવાથી તેને ખાલી કરી દેવામાં આવી છે.

સોમવારે કોલાબા મ્યુનિસિપલ સ્કૂલના વિદ્યાર્થીઓએ તેમના વાલી સાથે સ્કૂલ બંધ કરવા અને ઓનલાઈન શિક્ષણ આપવા સામે નારાજગી વ્યક્ત કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઓનલાઈન શિક્ષણ આપવા સામે નારાજગી વ્યક્ત કરતા એક વાલીએ કહ્યું હતું કે એક શાળામાં અમારા બે બાળક હોય અને અમારી પાસે એક સ્માર્ટફોન હોય તો બાળકો કેવી રીતે ભણશે?

કલાસનો સમય પણ માંડ એક કલાક પહેલા જાહેર કરવામાં આવે છે. બાળકોને અભ્યાસ કરવા માટે આપવામાં આવેલા ફોનનો તેઓ દુરુપયોગ કરે છે તો આખો દિવસ કામધંધો છોડીને તેમના પર ધ્યાન આપતા રહીએ? કોલાબાની સ્કૂલ બંધ કરીને હવે વૈકલ્પિક વ્યવસ્થા રૂપે તેમને જીટી સ્કૂલમાં ખસેડવામાં આવી રહ્યા છે જયાં પરિસ્થિતી વધુ ખરાબ છે. તે બિલ્િંડગ પણ જર્જરીત હોવાથી તેને પણ ગમે ત્યારે બંધ કરવામાં આવી એવી હાલ છે.

સ્કૂલ બંધ થવાથી બાળકો પણ ભણવામાં રસ લેતા નથી. તેની માટે જવાબદાર કોણ એવી નારાજગી અન્ય વાલીએ વ્યક્ત કરી હતી. જો આગામી બે દિવસમાં પાલિકા આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવે તો રસ્તા પર ઉતરવા સિવાય કોઈ ઉપાય રહેશે નહીં.

ભૂતપૂર્વ નગરસેવક મકરંદ નાર્વેકરે જણાવ્યું હતું કે કોલાબામાં એ.એમ. સાર્વત માર્ગ પરની સ્કૂલને બિલ્િંડગ જર્જરીત જાહેર કરીને ગયા મહિને બંધ કરવામાં આવી હતી આ બિલ્ડીંગનું સમારકામ બે વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. આ બિલ્િંડગ જર્જરીત નથી. નાના સમારકામથી કામ ચાલી શકે છે પણ સ્કૂલ બંધ કરીને વિદ્યાર્થીઓના ભવિષ્યને પાલિકાએ જોખમમાં મૂક્યું છે.

જો પાલિકા બે દિવસમાં વૈકલ્પિક જગ્યા પૂરી નહીં પાડે તો વાલીઓ, વિદ્યાર્થીઓ પાલિકા મુખ્યાલય પર મોર્ચો લઈ જશે. પ્રશાસન ૧,૫૦૦ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી રહ્યું છે. વિદ્યાર્થી માટે વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરીને ઓનલાઈન કલાસ લેવામાં આવ્યા છે. સ્માર્ટફોનના અભાવે, નબળી કનેક્ટિવિટી અને સાંકડા ઘરને કારણે વિદ્યાર્થીઓ સ્કૂલ છોડી રહ્યા છે.

નાર્વેકરે મહારાષ્ટ્ર સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સને પત્ર લખીને આ બાબતમાં હસ્તક્ષેપ કરવાની માગણી કરી છે.

સુધરાઈની સ્કૂલમાં ‘સ્માર્ટ સ્કૂલ’
મુંબઈની ૨૧૭ મ્યુનિસિપલ સ્કૂલમાં નવી ટેક્નોલોજીને આધારે શીખવાની ક્ષમતા વધારવાના હેતુથી મહારાષ્ટ્ર રાજ્ય અને સંપર્ક ફાઉન્ડેશનના સમન્વયથી વિકસિત થયેલી ‘સ્માર્ટ સ્કૂલ-સ્માર્ટ બ્લોક’ ઉપક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ ઉપક્રમને કારણે પાલિકાની સ્કૂલમાં ભણતા ૧૮,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને ડિજિટલી સાક્ષર બનાવવામાં મદદ મળશે.

આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે. ૨૭૩ કલાસરૂમ સ્માર્ટ લર્નિગ સ્પેસમાં ફેરવાશે અને ૪૩૪ શિક્ષકોને સંપર્કની નવી શિક્ષણ સામગ્રી અને શિક્ષણની તાલીમ આપવામાં આવશે. એ સાથે જ ચેમ્બુર, ભાંડુપ, દાદર, પરેલ, ભાયખલા, ઘાટકોપર, બોરીવલી, કુર્લા અને ગોરેગામ સહિતના વોર્ડમાં આવેલી સ્કૂલમાં ૧૫૯ સ્માર્ટ ટીવી પેનલ પણ પૂરી પાડવામાં આવશે.

પણ વાંચો…કોલાબાની BMC સ્કૂલના 1500 વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણવા મજબૂર, કારણ જાણીને નવાઈ લાગશે!

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button