ઈન્ટરનૅશનલ ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ કરી ૧૫ કરોડનું કોકેઈન જપ્ત: બે વિદેશી પકડાયા
મુંબઈ: નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ઈન્ટરનૅશનલ ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ કરી મહિલા સહિત બે વિદેશી નાગરિકની ધરપકડ કરી હતી. મુંબઈની વિલેપાર્લે સ્થિત હોટેલમાંથી પકડાયેલા ઝામ્બિયાના નાગરિક પાસેથી અંદાજે ૧૫ કરોડ રૂપિયાનું કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હોવાનો દાવો અધિકારીએ કર્યો હતો.
ઈન્ટરનૅશનલ ડ્રગ સિન્ડિકેટ સાથે સંકળાયેલો વિદેશી નાગરિક ડ્રગ્સ સાથે મુંબઈ આવી રહ્યો છે અને તેની ડિલિવરી રાજ્ય બહાર થવાની છે, એવી માહિતી એનસીબીને મળી હતી. માહિતીને આધારે એનસીબીની ટીમે વિલેપાર્લેની એક હોટેલમાં સર્ચ હાથ ધરી ઝામ્બિયાના નાગરિક એલ. એ. ગિલમોરને પકડી પાડ્યો હતો.
ડ્રગ કેરિયર તરીકે કામ કરનારો ગિલમોર ડ્રગના ક્ધસાઈન્મેન્ટ માટે ઝામ્બિયાના લુસાકાથી અદિસ અબાબા ગયો હતો. ફ્લાઈટમાં મુંબઈ પહોંચ્યા પછી તે વિલેપાર્લેની હોટેલમાં રોકાયો હતો.
ગિલમોરની ગતિવિધિ પર નજર રાખી રહેલી એનસીબીની ટીમે આખરે હોટેલની રૂમમાં સર્ચ હાથ ધરી હતી. રૂમમાંથી અધિકારીઓને બૅગ મળી આવી હતી. શંકાસ્પદ જણાયેલી બૅગને કાપવામાં આવતાં અંદર સંતાડેલું અંદાજે બે કિલો કોકેઈન મળી આવ્યું હતું.
તપાસમાં અધિકારીઓને જાણવા મળ્યું હતું કે ગિરમોર હેન્ડલરના ઇશારે કામ કરતો હતો. કોકેઈનવાળી બૅગ દિલ્હીમાં પહોંચાડવાનું ગિરમોરને કહેવામાં આવ્યું હતું. દિલ્હી પહોંચેલી ટીમે ૧૧ નવેમ્બરે છટકું ગોઠવી તાન્ઝાનિયાની મહિલા એમ. આર. ઓગસ્ટિનોને તાબામાં લીધી હતી. પકડાયેલા બન્ને આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.