કોસ્ટલ રોડ અને સી લિંકને ભારતના સૌથી મોટા ગર્ડરથી જોડાશે
136 મીટર લાંબો અને 2,000 મેટ્રિક ટનનું વજન ધરાવે છે ગર્ડર
મુંબઈ: કોસ્ટલ રોડના એક તરફના ભાગને વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને હવે કોસ્ટલ રોડને બાન્દ્રા વરલી સી લિન્ક સાથે જોડવા માટે 136 મીટર લાંબો સ્ટ્રિંગ ગર્ડર લોન્ચ કરવામાં આવશે. આ ભારતનો સૌથી મોટો ગર્ડર છે, જેને લોન્ચ કરવાનું કામકાજ બુધવાર સુધી પૂર્ણ થવાની શક્યતા છે. આ 136 મીટર લાંબા ગર્ડરને બેસાડયા બાદ રોડનું કામકાજ જૂન મહિના સુધીમાં પૂર્ણ થયા પછી કોસ્ટલ રોડને શરૂ કરવામાં આવશે.
પાલિકા દ્વારા બાન્દ્રા-વરલી સી લિન્કને કોસ્ટલ રોડ સાથે જોડવા માટે 136 મીટર લાંબા ગર્ડરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ગર્ડરને હવે લોન્ચ કરીને પુલ સાથે જોડવાનું કામકાજ શરૂ થયું છે. કોસ્ટલ રોડના 136 મીટર લાંબા ગર્ડરનું વજન 2,000 મેટ્રિક ટન છે અને આ દેશનું સૌથી લાંબુ ગર્ડર પણ છે. આ વિશાળ ગર્ડરને મઝગાંવથી લાવવામાં આવ્યું છે.
કોસ્ટલ રોડના ગર્ડરને એક મોટા જહાજની મદદથી સમુદ્રમાં મૂકવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેને સી લિન્કના દક્ષિણ દિશામાં મરીન ડ્રાઈવ-વરલી કોસ્ટલ રોડ અને ઉત્તર તરફના બાન્દ્રા-વર્સોવા કોસ્ટલ રોડ સાથે જોડવામાં આવશે. આ ગર્ડર પહેલા 46 મીટર, 44 મીટર અને 60 મીટરના અન્ય ત્રણ ગર્ડર બેસાડવામાં આવ્યા છે.
કોસ્ટલ રોડનું કામ પૂર્ણ થતાં બાદ બાન્દ્રાથી દક્ષિણ મુંબઈ દરમિયાન થતી ટ્રાફિકની સમસ્યા દૂર થશે. કોસ્ટલ રોડ અને સાઉથ સી લિન્ક અને નોર્થ સાઈડ આર્કના વરલી તરફના ભાગ સાથે જોડવા માટે 8 ગર્ડર લોન્ચ કરવામાં આવ્યા હતા.