કોસ્ટલ રોડ પ્રોમોનેડ આ અઠવાડિયામાં ખુલ્લો મુકાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ પરના ૭.૫ કિલોમીટર લાંબા અને ૨૦ મીટર પહોળા પ્રોમોેનેડના ૫.૨૫ કિલોમીટરના બે ભાગ તૈયાર થઈ ગયા છે અને આ અઠવાડિયે નાગરિકો માટે તે ખુલ્લો મુકાશે. એ સાથે જ સુધરાઈને મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી હાજી અલી અને બરોડા પેલેસ વચ્ચેના બીજા ભાગ પર કામ શરૂ કરવા માટે મંજૂરી મળી ગઈ છે. ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે.
બ્રીચ કેન્ડી ખાતે પ્રિયદર્શની પાર્ક અને બાન્દ્રા-વરલી સી લિંક વરલી છેડા વચ્ચેનો બહુ પ્રતિક્ષિત પ્રોમોનેડ જોગર્સ માટે અને સાયકલ સવારો માટે મુખ્ય આકર્ષણ બની રહેવાનો છે. ૧૫ જુલાઈ સુધી વધારવામાં આવેલી ડેડલાઈનમાં બે મુખ્ય પટ્ટા હવે તૈયાર થઈ ગયા છે, જેમાં ટાટા ગાર્ડનથી હાજી અલી સુધીનો ૨.૭૫ કિલોમીટરનો ભાગ અને લવગ્રોવ નાળા (વરલી ગટર) અને બી.એમ.ઠાકરે ચોક વચ્ચેનો ૨.૫ કિલોમીટર વિસ્તારનો સમાવેશ થાય છે. આ વિસ્તારનું કામ પૂરું થઈ ગયું છે છતાં તેને ખુલ્લો મૂકવા માટે રાજ્ય સરકારની અંતિમ મંજૂરીની રાહ જોવામાં આવી રહી હોવાનું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
ટાટા ગાર્ડન, હાજી અલી જ્યુસ સેન્ટર, મહાલક્ષ્મી મંદિર અને વરલીમાં ત્રણ જગ્યા એમ કુલ છ જગ્યાએથી પ્રોમોનેડ પર પ્રવેશ કરી શકાશે. એ સાથે જ પાલિકાએ હાજી અલી ખાતે પ્રસ્તાવિત ચાર માળની ભૂગર્ભ કાર પાર્કિંગની સુવિધાની ડિઝાઈનમાં પણ સુધારો કર્યો છે, જેમાં લગભગ ૧,૨૦૦ વાહનો સમાવવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટ માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ હાજી અલી પાર્કિંગ એરિયા નજીક એક કિલોમીટરનો પ્રોમોનેડ બનાવવાની યોજના પાલિકાએ પડતી મૂકી છે. અહીં પ્રોમોનેડને વાહનોની અવરજવરને કારણે નુકસાન થઈ શકે છે અને પર્યટકોને માટે પણ તે જોખમી બની શકે છે. પાલિકાએ હાજી અલી અને બરોડા પેલેસ વચ્ચેના ૩૦૦ મીટરના સ્ટ્રેચ માટે મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીની મંજૂરી મેળવી લીધી છે અને હાલ ખર્ચાનો અંદાજ મેળવવામાં આવી રહ્યો છે. ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે. બાકીનો ૨.૫ કિલોમીટરનો પ્રોમોનેડને પૂરો કરવામાં હજી થોડા સમય લાગશે એવું પણ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો….કોસ્ટલ રોડ પ્રોમોનેડ ૧૫ જુલાઈએ ખુલ્લો મુકાશે