કોસ્ટલ રોડ પ્રોમોનેડ ૧૫ જુલાઈએ ખુલ્લો મુકાશે
પ્રોમોનેડ પર પર્યટકો માટે ચાર સ્થળોએબાયો-ટોઈલેટ: પ્રોમોનેડની સફાઈ માટે યાંત્રિક મશીનનો ઉપયોગ કરાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ (દક્ષિણ)ના ભાગરૂપે દરિયા કિનારા પાસે બનાવવામાં આવેલા બહુપ્રતિક્ષિત પ્રોમોનેડને આખરે ૧૫ જુલાઈ, ૨૦૨૫થી મુંબઈગરા માટે ખુલ્લો મૂકવામાં આવવાનો છે. તેના ઉદ્ઘાટનની તૈયારીરૂપે સુધરાઈ દ્વારા અહીં બાયો-ટોઈલેટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવવાની છે. સુધરાઈના ઉચ્ચ અધિકારીઓએ ૨૪ જૂનના આ સ્થળની મુલાકાત બાદ કામચલાઉ શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ચાર સ્થળોને ઓળખી કાઢ્યા હતા. એ સાથે જ આ પ્રોમોનેડ ખુલ્લો મુકાયા બાદ આ સ્થળની દૈનિક સફાઈ કરવા માટે પાલિકા યાંત્રિક મશીનોને પણ તહેનાત કરવાની છે.
કોસ્ટલ રોડ પ્રોમોનેડ બે તબક્કામાં ખુલ્લો મૂકવામાં આવવાનો છે, જેમાં પહેલા તબક્કામાં ટાટા ગાર્ડનથી હાજી અલી સુધીનો ૨.૭૫ કિલોમીટર પ્રોમોનેડ ૧૫ જુલાઈના ખુલ્લો મુકાવાનો છે. જયારે વરલીના લવગ્રોવ્હ નાળા અને બી.એમ. ઠાકરે ચોક વચ્ચેના ૫.૨૫ કિલોમીટર લંબાઈના બીજા તબક્કામાં પ્રોમોનેડનું કામ ચાલી રહ્યું છે. પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આખા ૭.૫ કિલોમીટર લંબાઈના પ્રોમોનેડનું કામ પૂરું થઈને તેને ખુલ્લો મૂકાવવામાં હજી અઢી વર્ષનો સમય લાગી શકે છે.

મરીન ડ્રાઈવની માફક જ કોસ્ટલ રોડ પર બનાવવામાં આવેલા પ્રોમોનેડ પર મોટી સંખ્યામાં મુંબઈગરાના ટોળા ઉમટશે એવું માનવામાં આવે છે. તેથી મુલાકાતીઓને ધ્યાનમાં રાખીને પ્રોમોનેડના સ્થળે આ શૌચાલયો છ મહિનાથી લઈને એક વર્ષ સુધી કામચલાઉ ધોરણે ઊભા કરવામાં આવશે. મુખ્યત્વે બ્રીચ કેન્ડીમાં અમરસન્સ ગાર્ડન અને બે વરલીમાં અને એક મહાલક્ષ્મીમાં આ બાયો-ટોઈલેટ ઊભા કરવાની સુધરાઈની હાલ યોજના છે.
કોસ્ટલ રોડ ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનિયર દ્વારા સ્યુએજ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટને પત્ર લખીને ચાર સ્થળોએ બાયો-ટોઈલેટની વ્યવસ્થા કરવાની વિનંતી કરવામાં આવી છે. તેમ જ આ ટોઈલેટની આસપાસના વાતાવરણ સામે મેળ ખાતા હોવો જોઈએે એવી વિનંતી પણ પત્રમાં કરવામાં આવી છે.
આગામી ૧૫ જુલાઈથી ખુલ્લા મૂકવામાં આવનારો પ્રોમોનેડ કોસ્ટલ રોડ પ્રોજેક્ટનો એક મહત્ત્વનો ભાગ ગણાય છે, જેનો હેતુ ટ્રાફિક ઓછો કરવાની સાથે જ નાગરિકો માટે વધુ એક પર્યટક સ્થળ તરીકે ઉપલબ્ધ કરાવવાનો છે. જોકે હાલ ૭.૫ કિલોમીટરનો લાંબો આ પ્રોમોનેડ આખો ખુલ્લો મૂકવામાં આવવાનો નથી, કારણકે હજી પણ અમુક જગ્યાએ તેનું કામ બાકી ચાલી રહ્યું છે. કોસ્ટલ રોડ ટનલના એક્ઝિટથી ઉત્તર દિશામાં વરલી સુધી ફેલાયેલા આ પ્રોમોનેડમાં સાઈકલ ટ્રેક પણ છે.

કોસ્ટલ રોડ પ્રોમોનેડ ખુલ્લો મુકાવવાની સાથે જ અહીં નાગરિકોની અવરજવર વધશે. એટલે ગંદકી અને કચરો પણ થશે. તેથી જ પાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અહીં મેકેનિકલ સ્વિપિંગ મશીનનો ઉપયોગ પ્રોમોનેડની સફાઈ માટે કરવામાં આવવાનો છે. પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષમાં તબક્કાવાર કોસ્ટલ રોડ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. અહીં જાહેર જનતાને ચાલવા માટે પ્રવેશ નથી. ફક્ત વાહનો જ પસાર થતા હોવાથી અહીં ફક્ત ધૂળ હોય છે પણ હવે પ્રોમોનેડ ખુલવાની સાથે જ નાગરિકોની અવરજવર વધશે અને સાથે જ કચરો અને ગંદકી પણ થવાની શકયતા છે. તેથી પ્રોમોનેડની સફાઈ પણ આવશ્યક બની જશે. મેન્યુઅલી અહીં પ્રોમોનેડની સફાઈ શક્ય ન હોવાથી મશીનનો ઉપયોગ કરવામાં આવવાનો છે. તેથી અહીં ત્રણ મોટાં અને બે નાનાં મેકેનિકલ સ્વિપિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવશે.
આ પણ વાંચો…મરાઠી ન બોલવા બદલ મારપીટ:પોલીસે તાબામાં લીધેલા મનસેના સાત કાર્યકર્તાને નોટિસ આપીને જવા દેવાયા…