કોસ્ટલ રોડ પ્રોજેક્ટઃ વર્સોવા દહીસર કનેક્ટર માટે પાલિકાએ ભર્યું આ પગલું
મુંબઈ: મુંબઈના મહત્ત્વાકાંક્ષી કોસ્ટલ રોડ પ્રોજેક્ટના ભાગરુપે વર્સોવા-દહીસર વચ્ચે કનેક્ટરનું નિર્માણ કરવામાં આવશે અને તેના માટે પાલિકા પ્રશાસન દ્વારા તાજેતરમાં સલાહકારોની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કામકાજનો અંદાજિત ખર્ચ 16,626 કરોડ રૂપિયા છે અને કન્સલ્ટન્ટે 74 કરોડ રૂપિયા વસૂલ્યા છે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ, બજેટ, યોજનાઓ, ટેન્ડર દસ્તાવેજો તૈયાર કરવા માટે સલાહકારોની જરૂર પડશે.
પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવરથી બાંદ્રા વર્લી સી લિંકના દક્ષિણ છેડા સુધીના સાગરી કિનારા માર્ગ પ્રોજેક્ટનું કામ હાલમાં મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહ્યું છે. આ માર્ગની લંબાઈ ૧૦.૫૮ કિમી છે. કામ 84 ટકા પૂર્ણ થયું છે અને મે 2024 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.
વર્સોવાથી દહિસર કોસ્ટલ લાઇન માટે ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલી રહી છે, જ્યારે દહિસર – ભાયંદર એલિવેટેડ રોડ માટે કોન્ટ્રાક્ટરની નિમણૂક કરવાની પ્રક્રિયા પણ તાજેતરમાં પૂર્ણ કરવામાં આવી છે. ભવિષ્યમાં આ તમામ તબક્કાઓ પૂર્ણ થયા પછી, દરિયાકાંઠાના માર્ગ દ્વારા મરીન ડ્રાઇવથી ભાયંદર પશ્ચિમ સુધીની સીધી મુસાફરી શક્ય બનશે.
વર્સોવાથી દહિસર કોસ્ટલ રૂટ માટે હવે કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે અને આ રૂટને ગોરેગાંવ-મુલુંડ લિંક સાથે પણ જોડવામાં આવશે, જે ચાર વર્ષમાં પૂર્ણ થવાની ધારણા છે. વર્સોવાથી દહિસર સુધીના રૂટને છ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. વર્સોવાથી બાંગુર નગર, બાંગુર નગરથી માઇન્ડસ્પેસ મલાડ, માઇન્ડસ્પેસ મલાડથી ચારકોપ નોર્થ ટનલ, ચારકોપથી માઇન્ડસ્પેસ સાઉથ પેરેલલ ટનલ, ચારકોપથી ગોરાઈ અને ગોરાઈથી દહિસર એમ છ તબક્કામાં કામ કરવામાં આવશે.