આમચી મુંબઈ

કોસ્ટલ રોડ આજથી જનતા માટે ખુલ્લો

સોમથી શુક્ર સવારે આઠથી રાતના આઠ સુધી કાર્યરત, શનિ-રવિ બંધ રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગપાલિકાના અત્યંત મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ કોસ્ટલ રોડની આખરે એક લેનનું સોમવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનું લોકાર્પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવવાનું હતું. પરંતુ ત્રણ વખત મુહૂર્ત આગળ ઢકેલવામાં આવ્યા બાદ બાદ સોમવારે આખરે ચોથા મુહૂર્તમાં તે કામ પાર પડ્યુંં હતં. મંગળવારથી વાહનવ્યહાર માટે અઠવાડિયાના પાંચ દિવસ સવારના આઠથી રાતના આઠ વાગ્યા સુધી રોડ ખુલ્લો રહેવાનો છે.
કોસ્ટલ રોડ દક્ષિણથી ઉત્તર મુંબઈ તરફ જતા ટ્રાફિકને હળવો કરવામાં મહત્ત્વનો સાબિત થવાનો છે. પ્રવાસના સમયમાં 70 ટકાના ઘટાડાની સાથે જ 34 ટકા ઈંધણની બચત થાય તે માટે પાલિકાએ મુંબઈના દક્ષિણ છેડાથી એટલે કે નરિમન પોઈન્ટથી દહિસર-વિરાર સુધી ઝડપથી પહોંચવા માટે કોસ્ટલ રોડ પ્રોજેક્ટ હાથ લીધો હતો. તેમાં પહેલા તબક્કામાં મુંબઈના દક્ષિણમાં પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવરથી વરલી-બાંદ્રા સી લિંકના છેડા સુધી બનાન્યો છે. આ પ્રોજેક્ટને વરલીથી મરીન ડ્રાઈવ દિશામાં એટલે કે દક્ષિણ તરફનો રસ્તો ખોલવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનું અત્યંર સુધી 89 ટકા કામ પૂરું થઈગયું છે. કોસ્ટલ રોડ સી લિંક અને શિવડી-ન્હાવા શેવા અટલ સેતુને જોડવાનો છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કોસ્ટલ રોડને એેન્જિનિયરિંગનો ચમત્કાર ગણાવ્યો હતો. તો નાયબ મુખ્ય પધાન દેવેન્દ્ર ફડણવીસે કોસ્ટલ રોડને આગળ બાંદ્રા-વર્સોવા, વર્સોવા-વિરાર, વિરાર-પાલઘર સુધી તબક્કાવાર વિસ્તરણ કરવામાં આવશે એવું બોલતા જણાવ્યું હતું કે ગેમચેંજર બની ગયેલો અટલ સેતુ, કોસ્ટલ રોડ સહિત અન્ય પ્રોજેક્ટને કારણે ભવિષ્યમાં મુંબઈમાં કોઈ પણ જગ્યાએ એક કલાકમાં પહોંચી શકાશે.
પાલિકાના એડિશનલ કમિશનર અશ્વિની ભિડેએ આ દરમિયાન કહ્યું હતું કે કોસ્ટલ રોડનો પ્રેોજેક્ટ બાબતે 2011થી ચર્ચા ચાલતી હતી. 2018માં કોસ્ટલ રોડનું કામ ચાલુ થયું હતું. જોકે 2020માં કોવિડ અને કોર્ટના ચાલી રહેલા કેસને કારણે તેમ જ માછીમારોના વિરોધને પગલે કોસ્ટલ રોડનું કામ થોડા સમય માટે અટવાઈ ગયું હતું. જોકે ત્યારબાદ કામ ઝડપથી પાર પડયું હતું.

ઉદ્ધવ જૂથના વિધાનસભ્યો અને સાંસદ ગેરહાજર
કોસ્ટલ રોડની સંકલ્પના રાજ્યમાં જ્યારે ઉદ્ધવ ઠાકરે અને ફડણવીસની સરકાર હતી ત્યારે માંડવામાં આવી હતી. બાદમાં તેને અમલમાં આવતા વર્ષો નીકળી ગયા હતા. બાદમાં મુંબઈ મહાનગરપાલિકાએ આ પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. આ પ્રોજેકટ પાછળ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ ભારે જહેમત ઉઠાવી હતી. પરંતુ તેમની સરકારના કાર્યકાળમાં આ પ્રોજેક્ટ પૂરો થઈ શક્યો નહોતો. બાદમાં એકનાથ શિંદે અને ફડણવીસની સરકારના સમયમાં આ પ્રોજેક્ટ આગળ વધ્યો હતો અને હવે છેક પ્રેોજેક્ટ આંશિક રીતે પૂરો થયા બાદ સોમવાર 11 માર્ચના તેની એક લેનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે આ સમયે શિવસેના યુટીબીના દક્ષિણ મુંબઈના સ્થાનિક ખાસદાર અરવિંદ સાવંત અને પ્રવાસન અને પર્યાવરણ ખાતના ભૂતપૂર્વ પ્રધાન વરલીના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે તેમજ વિધાનસભ્ય સુનીલ શિંદે કોસ્ટલ રોડના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા.

દિવ્યાંગોનાં વાહનોને
નો-એન્ટ્રી
મુંબઈ: મુંબઈના વરલીથી મરીન ડ્રાઈવ સુધીના દસ કિલોમીટર લાંબા કોસ્ટલ રોડનું સોમવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કોસ્ટલ રોડ પર ભારે વાહનોને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં ટે્રક્ટર, માલવાહક વાહન, ટે્રલર, મિક્સર વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય દિવ્યાંગ વ્યક્તિઓ માટેના સ્કૂટર, મોટર સાઈકલ, સાઈડ કાર, સાઈકલ વગેરેને પણ આ રોડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિવાય ટુવ્હિલર, સાદી સાઈકલ, થ્રી- વ્હિલર્સ, ઘોડા ગાડી, હાથ ગાડી, બળદ ગાડી, રિક્ષા વગેરેને પણ કોસ્ટલ રોડ પર નો એન્ટ્રી રહેશે.
મરીન ડ્રાઈવથી વરલી એવો રસ્તો હશે. સવારે 8થી રાતે આઠ વાગ્યા સુધી કોસ્ટલ રોડ પ્રવાસ માટે ખુલ્લો મૂકવામાં આવશે. પ્રકલ્પનું બાકીનું કામ આગામી ત્રણ મહિનામાં પૂરું થઈ રહ્યું છે. આ કોસ્ટલ રોડને કારણે 14,000 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજિત છે. કોસ્ટલ રોડને છત્રપતિ સંભાજી મહારાજનું નામ આપવામાં આવ્યું હોવાની માહિતી મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા આપવામાં આવી છે.
મનપાના એડિશનલ કમિશનર અશ્વિની ભીડેએ લોકાર્પણ સમારોહમાં વાત કરતાં જણાવ્યું હતું કે કોસ્ટલ રોડ પ્રોજેક્ટ સર્વસમાવેશક એવો છે. નુકસાનભરપાઈ પેટે માછીમારોને આશરે 137 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું છે.

મહાકાલ મંદિરના આધારે સિદ્ધવિનાયક મંદિરનો કાયાપલટ
કોસ્ટલ રોડના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના મુખ્ય પધાન પ્રભાદેવીમાં આવેલા સિદ્ધવિનાયક મંદિર પસિરનો ઉજ્જૈનના પ્રખ્યાત મહાકાલ મંદિરની માફક કાયપલટ કરીને તેનો વિકાસ કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી.
મંદિરના પરિસરનો કાયાપલટ કરવા માટે ખાસ આર્કિટેક્ટ નીમવામાં આવવાનો છે.

300 એકરનું
સેન્ટ્રલ પાર્ક બનશે
કોસ્ટલ રોડ માટે દરિયામાં ભરણી કરીને જમીન ઉપલબ્ધ કરવામાં આવી છે. પ્રિયદર્શિની પાર્ક અને રેસકોર્સ પાસે ઉપલબ્ધ થનારી 300 એકર જગ્યામાં અબાલવૃદ્ધો માટે આંતરરાષ્ટ્રીય દરજ્જાનું સેન્ટ્રલ પાર્ક ઊભું કરવામાં આવવાનું છે, જે મુંબઈગરા માટે ઑક્સિજન પાર્ક બની રહેશે એવો દાવો મુખ્ય પધાને કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો