કોસ્ટલ રોડ: ગોરેગામ-દહિસર વચ્ચેના ૬૦ પ્લોટ ડીરિઝર્વ કરવા માટે નોટિસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ હવે તેના બીજા તબક્કામાં આગળ વધી રહ્યો છે, જે હેઠળ મુંબઈ મહાનગરપાલિકાએ ગોરેગામ અને દહિસર સ્થિત રહેલા ૬૦ અનામત પ્લોટમાં સુધારો કરવા માટે નોટિસ બહાર પાડી છે. આ જમીન કોસ્ટલ રેગ્યુલેશન ઝોન બફરમાં આવે છે. નાગરિકોને પોતાનાં સૂચનો અથવા વાંધા સબમિટ કરવા માટે ૩૦ દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે.
વર્સોવા અને દહિસરને જોડનારો ૨૦ કિલોમીટર લંબાઈનો લિંક રોડ લગભગ ૧૬,૬૨૧ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવવાનો છે. આ લિંક રોડને પગલે આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળશે એવો પાલિકાનો દાવો છે. વધુમાં દહિસરને ભાયંદર સાથે જોડવા માટે ૫.૬ કિલોમીટર લાંબો અને ૪૫ મીટર પહોળો એલિવેટેડ રોડ બનાવવામાં આવવાનો છે, જેનાથી ટ્રાફિકની મુવમેન્ટ વધુ ઝડપી બનશે.
આ નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને કારણે દહિસર ચેકનાકા પરનો ટ્રાફિકનો બોજો ૩૦થી ૩૫ ટકા ઘટશે એવી સુધરાઈને અપેક્ષા છે. વધુમાં મીરા-ભાયંદર માટે નવો વૈકલ્પિક રોડ પણ ઉપલબ્ધ થશે અને મુસાફરીનો સમય ઘટશે. પ્રોજેક્ટના આ વિભાગનો અંદાજિત ખર્ચ લગભગ ૩,૩૦૪ કરોડ રૂપિયા છે.
પર્યાવરણીય મંજૂરી મળ્યા પછી પાલિકાએ આ વર્ષે પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું છે. બુધવારે પાલિકાએ એકસર (બોરીવલી)માં ૩૧, મલાડ પશ્ર્ચિમમાં ૧૨, માલવણીમાં સાત, ગોરેગામ પૂર્વમાં પાંચ, ચારકોપ-કાંદિવલી (પશ્ર્ચિમ)માં ચાર અને દહિસરમાં એક જમીનનો પ્લોટના અનામને અંગે જાહેર નોટિસ જાહેર કરી હતી. આ પ્રોજેક્ટ માટે લાગનારી જમીનમાંથી લગભગ ૭૦ ટકાથી વધુ જમીન સરકારી માલિકીની છે. જયારે ૨૫થી ૩૦ ટકા જમીન ખાનગી માલિકીની છે. કોસ્ટલ રેગ્યુલેશન ઝોન હેઠળ આવતી જમીનનો ઉપયોગ કોસ્ટલ રોડ પ્રોેજેક્ટ માટે કરવામાં આવશે. સૂચનો અને વાંધાઓ માટે ૩૦ દિવસના સમયગાળા પથી તેના પર જાહેર સુનાવણી થશે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ કોસ્ટલ રોડ શરૂઆતમાં ગોરેગામના બાંગુર નગર સુધી જ બનાવવાની યોજના હતી. બાદમાં જોકે તેને દહિસર સુધી લંબાવવામાં આવ્યો છે, તેને કારણે ડેવલપમેન્ટ પ્લાન (ડીપી)-૨૦૩૪માં જમીનના રિઝર્વશેનને લગતા સુધારા આવશ્યક થઈ ગયા છે.
આ પણ વાંચો…ઔરંગઝેબની ‘કબર’ના વિવાદને કારણે વેપારીઓની હાલત કફોડી, પર્યટકોની સંખ્યા ઘટી…
દહિસર-વર્સોવા લિંક રોડને છ પેકેજમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં બે મુખ્ય પેકેજો સી અને ડી દરેકમાં ૩.૬૬ કિલોમીટરની બે ટનલ રહેશે. માઈન્ડસ્પેસ અને ચારકોપ (કાંદિવલી) વચ્ચે ઉત્તર અને દક્ષિણ તરફ જતો રસ્તો બનાવવામાં આવશે. આ કામનો અંદાજિત ખર્ચ આશરે ૫,૮૨૧ કરોડ રૂપિયા છે. પેકેજ એ વર્સોવા અને બાંગુર નગર ગોરેગામ વચ્ચે ૪.૫ કિલોમીટરનો રસ્તો આવરી લે છે જયારે પેકેજ બી બાંગુર નગર અને માઈનસ્પેસ (મલાડ) વચ્ચે ૧.૬૬ કિલોમીટરનો રસ્તો આવરી લે છે.
આ વિભાગમાં ગોરેગામ-મુુલુંડ લિંક રોડ કનેકટરનો સમાવેશ થવાની અપેક્ષા છે, જે ૪.૪૬ કિલોમીટર લાંબો લિંક રોડ છે, જે ઓબેરોય મોલ નજીક વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સાથે જોડાશે. પેકેજ ઈ જે ૩.૭૮ કિલોમીટર લાંબો છે, જે ચારકોપને ગોરાઈ સાથે જોડશે અને પેકેજ એફ જે ૩.૬૯ કિલોમીટર લાંબો છે, તે ગોરાઈને દહિસર સાથે જોડશે.