આમચી મુંબઈ

મર્સિડીઝ હંકારી રહેલા સગીરે કોસ્ટલ રોડની ટનલમાં કારને મારી ટક્કર: ત્રણ જણ ઘાયલ…

મર્સિડીઝના માલિક, તેની પૌત્રી અને સગીર મિત્ર સામે ગુનો દાખલ

મુંબઈ: મર્સિડીઝ હંકારી રહેલા 17 વર્ષના સગીરે કોસ્ટલ રોડની ટનલમાં કારને ટક્કર મારતાં એક જ પરિવારના ત્રણ સભ્યો ઘાયલ થયા હતા. ડી. બી. માર્ગ પોલીસે આ પ્રકરણે મર્સિડીઝના માલિક અને આગ્રીપાડાના વેપારી, તેની 18 વર્ષની પૌત્રી અને સગીર મિત્ર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ કોસ્ટલ રોડની ટનલમાં રવિવારે મોડી રાતે 1.45 વાગ્યાની આસપાસ અકસ્માત થયો હતો, જેમાં મીરા રોડના રહેવાસી પ્રસન્ના મોપકર (36) અને તેની સાસુને નજીવી ઇજા થઇ હતી, જ્યારે તેની પત્નીના નાકમાં ગંભીર ઇજા થઇ હતી. ત્રણેયને બાદમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં.

પ્રસન્ના મોપકર અને તેની પત્ની રવિવારે મોડી રાતે 12.30 વાગ્યે કારમાં નીકળ્યાં હતાં અને તેઓ સાસુને લેવા બોરીવલી ગયાં હતાં. તેઓ બાદમાં દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તારમાંની હોટેલમાં ભોજન કરવા જઇ રહ્યા હતા ત્યારે કોસ્ટલ રોડની ટનલમાં મર્સિડીઝે તેમની કારને ટક્કર મારી હતી. પ્રસન્નાની કાર બાદમાં બીજી કાર સાથે અથડાઇ હતી.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે મર્સિડીઝ આગ્રીપાડા વિસ્તારમાંના વેપારીના નામે રજિસ્ટર્ડ છે. તેની પૌત્રી કથિત રીતે મર્સિડીઝની ચાવી ઘરેથી લઇને દક્ષિણ મુંબઈ તરફ ગઇ હતી અને તેણે તેના 17 વર્ષના મિત્રને મર્સિડીઝ ચલાવવા આપી હતી. સગીરે ટનલમાં વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તે બીજી કાર સાથે ટકરાઇ હતી.

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button