આમચી મુંબઈટોપ ન્યૂઝ

૧૪,૦૦૦ કરોડ ગયા પાણીમાં,કોસ્ટલ રોડ પર પડી તિરાડો…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: મુંબઈ મહાનગરપાલિકાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ મુંબઈ કોસ્ટલ રોડ તબક્કાવાર વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકાયો છે અને હજી તેને એક વર્ષ પણ થયું નથી ત્યાં તો કોસ્ટલ રોડના અમુક પટ્ટામાં તિરાડો પડી જતા પેચવર્ક કરવાની નોબત આવી ગઈ છે. ગુરુવારે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર હાજી અલી નજીક ઉત્તર તરફના પટ્ટા પર વરલી તરફના પુલ પર પેચવર્ક દર્શાવતો એક વીડિયો વાયરલ થયા બાદ પાલિકાએ કોસ્ટલ રોડ પાછળ ખર્ચેલા ૧૪ હજાર કરોડ રૂપિયા પર શું પાણી ફરી વળ્યું? એવા સવાલો સોશિયલ મિડિયા પર થઈ રહ્યા છે.

Also read : મધ્ય રેલવેમાં પાંચમી-છઠ્ઠી લાઈન માટે 200 ઝૂંપડાનો થશે સફાયો, શું ફાયદો થશે જાણો?

ત્યારે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે સિમેન્ટના રસ્તાના જોઈન્ટ ખુલ્લા થઈ જતા તેના ડામર નાખવો પડયો છે અને આગામી દિવસોમાં રસ્તા પર ફરી ડામરનો નવો સ્તર નાખવામાં આવશે.

મરીન ડ્રાઈવ પર પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવરથી બાન્દ્રા-વરલી સી લિંક સુધી ફેલાયેલો ૧૦.૫૮ કિલોમીટર લાંબો મુંબઈ કોસ્ટલ રોડનો ઉત્તર તરફનો રસ્તો ૧૦ જુલાઈ, ૨૦૨૪ના વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ગુરવારે એક વીડિયો સોશ્યિલ મિડિયા પર ફરી વળ્યો હતો, જેમાં કોસ્ટલ રોડ પર ખરાબ રીતે ડામરથી પેચ કરવામાં આવ્યું હોવાનું દેખાઈ રહ્યું હતું, જેનાથી મુંબઈગરામાં ભારે નારાજગી જોવા મળી હતી.

અનેક નાગરિકોએ આ વીડિયો જોયા બાદ તેમના પરસેવાની કમાણીથી બનેલા કોસ્ટલ રોડની એક વર્ષથી અંદર જ આવી હાલત થવા બદલ નારાજગી વ્યકત કરી હતી. પાલિકા સહિત કોસ્ટલ રોડ બનાવનારી એલ એન્ડ ટી કંપની સામે નારાજગી પણ અનેક નાગરિકોએ વ્યક્ત કરી હતી.

કોસ્ટલ રોડ પર પડેલી તિરાડો અને બાદમાં ડામરથી કરવામાં આવેલા પેચ વર્ક બાબતે પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે હાજી અલી ખાતે પુલના ઉત્તર તરફ જતો રોડ ડામર કૉન્ક્રીટથી બનેલો છે, જેનું કામ ચોમાસા પહેલાના સમયગાળા દરમ્યાન પૂરું થઈ ગયું હતું. થોડા દિવસ અગાઉ તેના સાંધાના અમુક ભાગ અલગ થઈ ગયા હોવાનું જણાયું હતું.

ચોમાસા દરમ્યાન વધુ નુકસાન અટકાવવા માટે અમુક વિસ્તારોને કામચલાઉ રીતે મેસ્ટિક ડામરથી સમારકામ કરવામાં આવ્યું હતું. આ પેચની જરૂરિયાત મુજબ મરામત કરવામાં આવશે અને ડામરનો નવો સ્તર નાખવામાં આવશે.

કોસ્ટલ રોડને માર્ચ, ૨૦૨૪થી તબક્કાવાર ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પહેલા ૧૧ માર્ચ, ૨૦૨૪ના કોસ્ટલ રોડનો દક્ષિણ તરફનો રોડ વરલીથી મરીન ડ્રાઈવક સુધી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. બાદમાં ૧૦ જૂનથી હાજી અલી સુધી દક્ષિણ તરફનો રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. બાદમાં ત્રીજા તબક્કામાં હાજી અલીથી વરલી વચ્ચેનો રોડ ૧૧ જુલાઈ, ૨૦૨૪ના ખૂલ્લો મુકાયો હતો. સપ્ટેમ્બર, ૧૨ના કોસ્ટલ રોડથી બાન્દ્રા-વરલી સી લિંકને જોડતો ઉત્તર તરફના રસ્તાનું ઉદ્ઘાટન બાદ ૧૩ સપ્ટેમ્બરના તેને ખુલ્લો મુકાયો હતો.

કોસ્ટલ રોડને બાન્દ્રા-વરલી સી લિંક સાથે જોડતો ઉત્તર તરફનો બ્રિજ ૨૭ જાન્યુઆરી,૨૦૨૫ના રોજ વાહનવ્યવહાર માટે માટે ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. આ નવો માર્ગ લોકો માટે ઉપયોગી સાબિત થયો છે અને બાન્દ્રા અને મરીન ડ્રાઈવ વચ્ચેની મુસાફરીનો સમય ૧૦થી ૧૨ મિનિટનો થઈ ગયો છે.

Also read : ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઈવ ટનલ સહિતના ઈન્ફ્રા પ્રોજેક્ટસ માટે એમએમઆરડીએ 7,326 કરોડ રૂપિયાની લોન લીધી

કોસ્ટલ રોડ પ્રોજેક્ટ ઓક્ટોબર, ૨૦૧૮માં ૧૩,૯૮૩ કરોડ રૂપિયાના ખર્ચે સાથે ચાલુ થયો હતો. પાલિકાના દાવા મુજબ આ રસ્તાએ મુસાફરીનો સમય ૭૦ ટકા અને ઈંધણનો ખર્ચ ૩૪ ટકાથી ઘટાડ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button