કોસ્ટલ રોડની આડે આવતી આ અડચણો દૂર થઈ, પ્રોજેક્ટ ચડશે પાટે…

મુંબઈ: મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઑથોરિટી(એમસીઝેડએમએ) દ્વારા વર્સોવા, દહીંસર અને ભાયંદરને જોડતા 22.93 કિલીમોટર લાંબા હાઇ-સ્પીડ કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ મહત્ત્વાકાંક્ષી એવા મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટનો બીજો તબક્કો છે અને હવે પર્યાવરણ ખાતા, વન વિભાગ, ક્લાઇમેટ ચેન્જ અને બોમ્બે હાઇ કોર્ટ દ્વારા આ પ્રોજેક્ટ માટે મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે.
આ પણ વાંચો : રસ્તાઓની ક્વોલિટી કેવી? હવે IIT Bombay કરશે નિરીક્ષણ…
આ વિશે વાત કરતા પાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે એમસીઝેડએમએ દ્વારા વર્સોવા-દહીંસર અને ભાયંદરને જોડતા કોસ્ટલ રોડના બીજા તબક્કાને મંજૂરી આપી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ પાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે. જોકે પ્રોજેક્ટનો બાંદ્રા અને વરલી સી-લિંક હિસ્સો એમએસઆરડીસી દ્વારા પૂરો કરવામાં આવશે.
હવે પાલિકા મલાડના માઇન્ડસ્પેસ અને કાંદિવલીના ચારકોપ સેક્ટર 8ને ભૂગર્ભ માર્ગે જોડવાની યોજના બનાવી રહી છે. જમીનની 40 મીટર નીચે ચાર કિલોમીટરની ટનલ તૈયાર કરીને આ પ્રોજેક્ટ પાર પાડવાની પાલિકાની યોજના છે.
આ પ્રોજેક્ટનો વર્ક ઓર્ડર ફેબ્રુઆરી 2024ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો, જોકે જરૂરી મંજૂરીઓ ન મળી હોવાના કારણે આ પ્રોજેક્ટ અટવાયેલો હોવાનું પાલિકા અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું હતું.
આ પ્રોજેક્ટની ટનલ વિદ્યાન-શીલા આઇએએસ ઓફિસર્સ બિલ્ડિંગથી શરૂ થઇ એમએસઆરડીસીના કોસ્ટલ રોડના છેલ્લા પોઇન્ટ સુધી જશે. આ ટનલ પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ એવા પોઇસર નદી, ગોરાઇ ખાડી અને મેન્ગ્રોવ લેન્ડથી પસાર થનારી હોઇ જરૂરી વિભાગોની મંજૂરી અત્યંત જરૂરી છે.