આમચી મુંબઈ

મલાડમાં CRZ ના બોગસ સરકારી નકશા બનાવવાના કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશઃ SIT ની તપાસમાં ઘટસ્ફોટ…

મુંબઈ: પશ્ચિમ પરાં વિસ્તારના મલાડ મઢ આઇલેન્ડ ખાતે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ)ના બોગસ સરકારી નકશા બનાવીને કરોડો રૂપિયાનું કૌભાંડ કરાયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. લેન્ડ રેકોર્ડ્સ ડિપાર્ટમેન્ટ, મુંબઈ પાલિકા અને અન્ય ભ્રષ્ટાચારીઓએ આ કૌભાંડ કર્યું હોવાનું હાઇ કોર્ટે રચેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની તપાસમાં જાણવા મળ્યું હતું. આ પ્રકરણે એસઆઇટી દ્વારા ચાર જણની ધરપકડ કરવામાં આવી છે તથા ૧૮ સરકારી કર્મચારીઓને તપાસ માટે સમન્સ મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ખેડૂતોને ડ્રોનની ખરીદી માટે મળશે સબસિડી, શું થશે ફાયદો?

લેન્ડ રેકોર્ડ્સના ૧૯૬૭ના મૂળ નકશાની બોગસ નકલ બનાવી મઢ આઇલેન્ડ ખાતે નો-ડેવલપમેન્ટ ઝોન, સીઆરઝેડ અને નોન-એગ્રિકલ્ચરલ લેન્ડ (એનએ) નિયમોનું ઉલ્લંઘન કરીને સમારકામનાં નામે નવા બાંધકામ કરવામાં આવ્યાં. આ કૌભાંડ ખાસ કરીને દલાલો, સરકારી કર્મચારીઓ અને કોન્ટ્રેક્ટરોની મિલિભગતથી કરવામાં આવ્યું હતું.

મલાડના ઍરંગલ, મઢ આઇલેન્ડ, વર્સોવા અને અન્ય પર્યાવરણ સંવેદનશીલ જગ્યા પર સરકારી નોંધણી બદલીને સીઆરઝેડ અને નોન-ડેવલપમેન્ટ ઝોન (એનડીઝેડ) ક્ષેત્રનો ડેવલપમેન્ટ ઝોનમાં સમાવેશ કર્યો હતો.

આ સંપૂર્ણ પ્રકરણમાં ચાર અલગ અલગ ગુના પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયા છે એમાંથી ત્રણ ગુના ગોરેગામ પોલીસ સ્ટેશનમાં અને એક ગુનો ખેરવાડી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. બે ગુના પ્રશાસનના અધિકારીઓ દ્વારા નોંધાવવામાં આવ્યા છે. આ પ્રકરણમાં કોઇ પણ પગલાં ન લેવાયા હોવાથી અરજદાર વૈભવ ઠાકુરે આખરે હાઇ કોર્ટમાં ધા નાખી હતી.

એસઆઇટીની તપાસમાં શું મળ્યું?

સિટની તપાસ બાદ નવ મૂળ આર્ટિકલની ૨૯ મિલકતમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે. લેન્ડ રેકોર્ડ્સના ૮૮૪ હદ સંબંધિત નકશાની તપાસ કરતા ૧૬૫ હદ નકશામાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જણાયું હતું. પાલિકા તરફથી બનાવટી નકશા બાબતે કુલ ૪૦ પ્રકરણે લેન્ડ રેકોર્ડ્સ/સિટી સર્વે પાસેથી માગણી કરી હતી, પરંતુ કોઇ પણ બાંધકામની પરવાનગી આપવામાં આવી નહોતી.

બળજબરીથી જમીન પડાવી લીધી

ઍરંગલ ગામમાં એક બે નહીં, પરંતુ અનેક ગામવાસીઓની જમીન બળજબરીથી પચાવી પાડી હતી. કેટલીક સરકારી જમીન પર પણ અનધિકૃત અતિક્રમણ કરવામાં આવ્યું હતું. નજીવી કિંમતે જમીન પચાવી પાડી, પરંતુ હજી પણ અનેક જગ્યા ગામવાસીઓના નામે હોવાનું જણાયું હતું. તેના પરના બંગલા ત્રીજી વ્યક્તિના નામે હોઇ આ બંગલાઓ શૂટિંગ તથા અન્ય કાર્યક્રમો માટે ભાડે આપીને કરોડો રૂપિયાની કમાણી કરાઇ રહી છે.

આ પણ વાંચો : મુંબઈ એરપોર્ટ પર લાખો રુપિયાના ફાર્મા ડ્રગ્સ સાથે નકલી બ્રાન્ડની 2.44 લાખ સિગારેટ્સ જપ્ત

હાઇ કોર્ટે નિમેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની તપાસમાં આરોપીએ સરકારી કર્મચારીઓની મદદથી ૧૦૨ મિલકતના નકશામાં ખોટા સર્વે ક્રમાંક, અસ્તિત્વમાં ન હોય એવા બાંધકામો અને સીમામાં ફેરફાર કરીને નોંધણી કરાવી હોવાનું જણાયું હતું. તે અનુસાર પોલીસે સિટી સર્વે ડિપાર્ટમેન્ટના તે સમયના બે કર્મચારી (હાલમાં નિવૃત્ત) અને બે એજન્ટની ધરપકડ કરી છે. પોલીસની તપાસ હજી ચાલી રહી છે અને ૧૮ સરકારી કર્મચારીને પણ તપાસ માટે સમન્સ મોકલવામાં આવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button