ગેંગસ્ટર ઘાયવળના ભાગી જવા માટે મહાવિકાસ આઘાડીની સરકાર જવાબદાર: ફડણવીસ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ‘મહાવિકાસ આઘાડીની સરકાર વખતે ગેંગસ્ટર નિલેશ ઘાયવળને પાસપોર્ટ આપવામાં આવ્યો હતો. રાજકીય દબાણને કારણે પોલીસે તેને ‘ક્લીનચીટ’ આપી અને એક રિપોર્ટ રજૂ કર્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે તેની સામે કોઈ ગુનો નથી. આવી રીતે પાસપોર્ટ મેળવ્યા પછી તે વિદેશ ભાગી ગયો હતો.
ઘાયવળને પાસપોર્ટ આપવા માટે દબાણ કરનારા તેમજ ખોટા રિપોર્ટ આપનારાઓની તપાસ કરવામાં આવશે,’ એવી જાહેરાત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરી હતી. ગેંગસ્ટર નિલેશ ઘાયવળ અહિલ્યાનગરમાંથી નકલી પાસપોર્ટ મેળવીને વિદેશ ભાગી ગયો છે. આના કારણે છેલ્લા કેટલાક દિવસોથી શાસક પક્ષ અને વિપક્ષી નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે.
ફડણવીસે વિદેશ ભાગી ગયેલા ગેંગસ્ટર ઘાયવળના કેસ અંગે ભાજપ પર લગાવવામાં આવેલા આરોપોનું ખંડન કરતાં મહાવિકાસ આઘાડી પર દોષનો ટોપલો નાખ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘ઘાયવળે અહિલ્યાનગર જિલ્લામાં પાસપોર્ટ માટે અરજી કરી હતી. રાજ્યમાં તત્કાલીન શાસક રાજકીય પક્ષના નેતાએ પોલીસ પર દબાણ કર્યું હતું અને તેને ‘ક્લીનચીટ’ આપી હતી.
આ દબાણને કારણે, પોલીસે એક રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં જણાવાયું હતું કે ઘાયવળનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી.
ઘાયવળ ત્યાં રહેતો ન હોવાથી, પોલીસે અહેવાલ આપવો જોઈતો હતો કે તે અહીં રહેતો નથી. જોકે, પોલીસે આવી નોંધ કરી ન હોવાથી, તેણે પાસપોર્ટ મેળવ્યો અને ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.
પાસપોર્ટ આપવા માટે પોલીસ પર કોણ દબાણ કરી રહ્યું હતું, તેણે ચૂંટણીમાં કોનું કામ કર્યું, તેને કોના આશીર્વાદ હતા, આ બધી બાબતો પણ પ્રકાશમાં આવવી જોઈએ,’ એમ કહીને ફડણવીસે આકરી કાર્યવાહીના સંકેત આપ્યા હતા.‘કોઈપણ પક્ષે ઘાયવળ જેવા વલણને સહન ન કરવું જોઈએ. આવા વલણ સામે કાર્યવાહી કરવામાં આવશે. દબાણમાં પાસપોર્ટ માટે ખોટો રિપોર્ટ આપવા માટે મજબૂર કરાયેલા લોકોની પણ તપાસ કરવામાં આવશે,’ એમ ફડણવીસે કહ્યું હતું.
આ પણ વાંચો…મુખ્યપ્રધાન ફડણવીસે યોગેશ કદમને ‘ક્લીનચીટ’ આપી; સચિન ઘાયવળના શસ્ત્ર લાઇસન્સ બાબત કહ્યું…