ભાષા વિવાદ:ભાજપના સાંસદ દુબેની ટિપ્પણી અયોગ્ય, ગૂંચવાડો ઊભો કરવાનું જોખમ: ફડણવીસ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કહ્યું હતું કે રાજ્યમાં ભાષાના મુદ્દા પર ભાજપના સાંસદ નિશિકાંત દુબેની ટિપ્પણીઓ અયોગ્ય હતી અને મૂંઝવણ ઊભી કરવાનું જોખમ હતું.દુબેની ‘પટક પટક કે મારેંગે’ ટિપ્પણીએ ખળભળાટ મચાવ્યો હતો. ઝારખંડના લોકસભાના સભ્યે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ભાષા વિવાદ અને બિન-મરાઠી ભાષી લોકો પરના હુમલાઓ વચ્ચે એક વિવાદાસ્પદ પોસ્ટ મૂકી હતી.
‘મુંબઈમાં હિન્દી ભાષીઓને માર મારનારાઓને, જો તમારામાં હિંમત હોય તો, મહારાષ્ટ્રમાં ઉર્દૂ ભાષીઓને મારવાનો પ્રયાસ કરો. કૂતરો પણ પોતાના ઘરમાં વાઘ બને છે. તમે જ નક્કી કરો કે કૂતરો કોણ છે અને વાઘ કોણ છે,’ એમ ગોદાના સાંસદે એક્સ પરની પોસ્ટમાં કહ્યું હતું. આ સમગ્ર વિવાદ વિશે પૂછવામાં આવતા, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, ‘જો તમે નિશિકાંત દુબેનું આખું નિવેદન સાંભળો, તો તેમણે ખાસ કરીને એક સંગઠન વિશે વાત કરી હતી, સર્વસામાન્ય મરાઠી લોકો વિરુદ્ધ નહીં. જો કે, મારા મતે, આવી ટિપ્પણીઓ કરવી અયોગ્ય છે. તેના અર્થઘટનથી લોકોના મનમાં ગૂંચવાડો ઊભો થાય છે.’
દેશના જીડીપીમાં સૌથી મોટો ફાળો મહારાષ્ટ્રનો છે, એમ મુખ્યપ્રધાને રાજ્ય વિધાન ભવન પરિસરમાં પત્રકારોને જણાવ્યું હતું.મને લાગે છે કે દેશના ઇતિહાસ અને વર્તમાનમાં મહારાષ્ટ્ર અને મરાઠી લોકોના યોગદાનને કોઈ નકારી શકે નહીં. જો કોઈ તેને નકારી રહ્યું છે, તો મને લાગે છે કે તે ખોટું છે,’ એમ ફડણવીસે કહ્યું હતું.
‘હું મારી ટિપ્પણીનું ફરી પુનરાવર્તન કરું છું, મરાઠી લોકોએ ખૂબ જ યોગદાન આપ્યું છે. જ્યારે આક્રમણકારોએ આપણી સંસ્કૃતિ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે છત્રપતિ શિવાજી મહારાજ, છત્રપતિ સંભાજી મહારાજ અને મરાઠાઓ દેશભરમાં લડ્યા. પાણીપતના ત્રીજા યુદ્ધ દરમિયાન, અબ્દાલી કરાર પર મહોર મારવા તૈયાર હતા પરંતુ આપણા મરાઠાઓએ તે કર્યું નહીં,’ એમ ફડણવીસે કહ્યું હતું.