આમચી મુંબઈમહારાષ્ટ્ર

સીએમ ફડણવીસની રાજ ઠાકરે સાથેની મુલાકાતથી રાજકીય વર્તુળોમાં ચર્ચા

મુંબઇઃ વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ પહેલીવાર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ રાજ ઠાકરેને મળવા તેમના નિવાસસ્થાન શીવ તીર્થ આવ્યા છે. બંને નેતાઓની આ મુલાકાતના અનેક તર્ક વિતર્ક નીકાળવામાં આવી રહ્યા છે.

રાજ્યમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી બાદ હવે બધાનું ધ્યાન મ્યુનિસિપલ ચુંટણીઓ તરફ છે. તમામ પક્ષો આ માટે તૈયારી કરી રહ્યા છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ તૈયારી શરૂ કરી દીધી છે. એવામાં હવે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ રાજ ઠાકરેને મળવા તેમના નિવાસસ્થાન પહોંચ્યા હતા. આ સમયે ફડણવીસ સાથે ભાજપના નેતા મોહિત કંબોજ પણ હતા. ફડણવીસ અને રાજ ઠાકરે વચ્ચેની મુલાકાત અડધો કલાકથી વધુ સમય ચાલી હતી. જોકે, બંને નેતાઓએ શા માટે મુલાકાત કરી તેનું કારણ હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ આ મુલાકાતે રાજકીય વર્તુળોમાં ચર્ચા જરૂર જગાવી છે.

રાજ ઠાકરેએ થોડા દિવસ પહેલા જ વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર જોરદાર નિવેદન આપ્યું હતું અને તેના પરિણામો અંગે શંકા વ્યક્ત કરી હતી. ગયા મહિને તેમણે શાસક ભાજપ પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે પાર્ટીએ એક વખત કહ્યું હતું કે કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા નેતાઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે, પરંતુ તેમને રાજ્યના મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે.

જોકે, ભાજપે ઠાકરે પર પાર્ટી વિશે ખોટી માહિતી રજૂ કરવાનો આરોપ લગાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તેઓ ક્યારે કોઇ ગોઠવણ કે વાટાઘાટોની રાજનીતિમાં સામેલ થયા નથી. 2024ની લોકસભાની ચૂંટણીમાં રાજ ઠાકરેની પાર્ટી મનસેએ ભાજપને ટેકો આપ્યો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણી મનસેએ એકલા હાથે લડી હતી, પરંતુ તેમને એક પણ બેઠક જીતવામાં સફળતા મળી ન હતી.

Read This… નેશનલ ડિફેન્સ એકેડમી પાસે પાકિસ્તાની ચલણી નોટો મળતા સનસનાટી…

દરમિયાન બીએમસીની ચૂંટણી માટે ભાજપ અને મનસે ગઠબંધન કરશે તેવા સંકેતો મળ્યા છે અને એવી માહિતી પણ મળી છે કે રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને ભાજપના રાજ્યપાલ ક્વોટામાંથી વિધાનસભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવશે. તેથી એવું લાગે છે કે રાજ્યના રાજકારણમાં ફરી એકવાર ભાજપ-મનસે ગઠબંધન થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button