એકનાથ શિંદેએ શરુ કર્યું મોટું અભિયાન, કહ્યું મુંબઈના રિયલ હીરો છો…
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2014માં શરૂ કરવામાં આવેલા સ્વચ્છ ભારત અભિયાન બાદ સ્વચ્છતા બાબતે એક ચળવળ ઊભી થઇ હોવાનું કહી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ્યસ્તરીય સ્વચ્છતા એ જ સેવા અભિયાનનો શુભારંભ કર્યો હતો. તેમણે સ્વચ્છ ભારત અભિયાનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ શરૂ કરેલી ચળવળના કારણે આખા દેશમાં આ અભિયાન પ્રભાવશાળી રીતે અમલમાં લાવી શકાયું.
તેમણે મુંબઈના ખરા હીરો સફાઇ કર્મચારી હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે સ્વચ્છતા એ આરોગ્યનો મંત્ર છે અને મુંબઈમાં ડિપ ક્લીન ડ્રાઇવના માધ્યમે રસ્તા સાફ કરવા, પાણીથી રસ્તા ધોવા વગેરે કામ શરૂ છે. તેના કારણે મુંબઈમાં પ્રદૂષણ ઓછું થયું છે. આ બધા કામો સફાઇ કર્મચારીઓ કરતા હોવાથી મુંબઈના ખરા હિરો સફાઇ કર્મચારીઓ જ છે.
એકનાથ શિંદેએ ગિરગાંવ ચોપાટીથી આ અભિયાનની શરૂઆત કરી હતી અને આ પ્રસંગે પાલક પ્રધાન દીપક કેસરકર, મુંબઈ ઉપનગર જિલ્લાના પાલક પ્રધાન મંગલ પ્રભાત લોઢા, મુંબઈ પાલિકાના કમિશનર ભૂષણ ગગરાણી સહિતના લોકો ઉપસ્થિત હતા.
આપણ વાંચો: લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદનના પડઘા મહારાષ્ટ્રમાં વિધાનસભામાં પડ્યા, સત્ર મોકૂફ
આ અભિયાન બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ સુધી ચાલશે અને અભિયાન અંતર્ગત શહેરી અને ગ્રામીણ ભાગોમાં સ્વભાવ સ્વચ્છતા – સંસ્કાર સ્વચ્છતા આ ઝુંબેશ ચલાવવામાં આવશે. તેમણે આ ઝુંબેશ દરમિયાન આર.આર.આર એટલે કે રિડ્યુસ, રિયુઝ અને રિસાઇકલ કેન્દ્રો ઊભા કરવામાં આવશે એમ જણાવ્યું હતું.
આ અભિયાન દ્વારા શૂન્ય કચરા કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, ‘એક પેડ માં કે નામ’ ઉપક્રમ અંતર્ગત વૃક્ષારોપણ અને સૌંદર્યકરણનું કામ પણ શરૂ કરવામાં આવશે. સ્વચ્છ ભરત અભિયાનમાં મહારાષ્ટ્ર ક્યારેય પાછળ નહીં પડે. સ્વચ્છ ભારત અભિયાનમાં મહારાષ્ટ્ર દેશમાં પહેલા ક્રમાંકે આવ્યું છે અને આ જ અભિયાન અંતર્ગત મુંબઈ મહાનગરપાલિકાએ દોઢ લાખ વૃક્ષો વાવ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું.