બહેનો માટે, શહેરી વિકાસ માટે, ખેડૂતો માટે, દેવેન્દ્ર ફડણવીસ ફરી પાછા આવ્યા: અમૃતા ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દેવેન્દ્ર ફડણવીસ છઠ્ઠી વખત વિધાનસભ્ય બન્યા છે અને હવે તેઓ ત્રીજી વખત મુખ્ય પ્રધાન બની રહ્યા છે, આ ખૂબ જ ખુશીની અને જવાબદારીભરી બાબત છે, એમ તેમના પત્ની અમૃતા ફડણવીસે ગુરુવારે શપથ ગ્રહણ પહેલાં જણાવ્યું હતું. હું ખૂબ જ ખુશ છું કે તેમની મહેનત રંગ લાવી છે. આનંદની વાત એ છે કે મહાયુતિ હવે એક થઈ ગઈ છે અને મહારાષ્ટ્રની પ્રગતિ માટે આગળ વધવાનું શરૂ કર્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસનું જીવન સંઘર્ષમય રહ્યું છે, મેં તેમને નજીકથી જોયા છે.
દેવેન્દ્ર ફડણવીસમાં દૃઢ સંકલ્પ છે, જ્યારે તેઓ કંઈક કરવાનું નક્કી કરે છે, ત્યારે તે કરે છે, તેના માટે દ્રઢતા અને ધીરજની જરૂર હોય છે, તેથી જ તેઓ આજે અહીં સુધી પહોંચ્યા છે. આજે એક સુંદર દિવસ છે, દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત મુખ્યમંત્રી બની રહ્યા છે તેની ખુશી છે, એમ તેમણે કહ્યું હતું.
લાડકી બહેન યોજના એક સારો પ્રોજેક્ટ છે. તમામ બહેનો દેવેન્દ્ર ફડણવીસ અને મહાયુતિ સાથે જોડાયેલી હતી એમ જણાવતાં અમૃતા ફડણવીસે કહ્યું હતું કે સંસદ અને રાજનીતિમાં મહિલાઓનું પ્રમાણ વધારવા માટેના બિલને મંજૂરી આપવામાં આવી છે અને તે ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે.
આ પણ વાંચો : 10 વર્ષમાં ત્રીજી વાર મુખ્ય પ્રધાન બનશે દેવેન્દ્ર ફડણવીસ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે…
જ્યારે આપણે અર્જુનની જેમ કંઈક હાંસલ કરવા માંગીએ છીએ, ત્યારે આપણે ફક્ત લક્ષ્ય જોવાનું હોય છે. દેવેન્દ્ર ફડણવીસને સત્તાની લાલસા નથી, પરંતુ તેઓ માનતા હતા કે તેઓ મહારાષ્ટ્ર માટે જે કરી શકે છે તે બીજું કોઈ કરી શકશે નહીં, એમ જણાવતાં અમૃતા ફડણવીસે ઉમેર્યું હતું કે, તેઓ ફરી આવ્યા છે.
દેવેન્દ્ર ફડણવીસે પોતાનું કામ બતાવ્યું છે. હોદ્દો ન હોય તો પણ તેઓ લોકહિતના કામો કરતા હતા. મુખ્ય પ્રધાન બન્યા બાદ તેઓ જનહિત માટે નિર્ણય લેશે. તેઓ બહેનો માટે, શહેરોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે, ખેડૂતો માટે ફરીથી આવવા ઈચ્છતા હતા.