આમચી મુંબઈ
ગોરેગામ-મુલુંડ લિંક રોડને પહોળો કરવાને આડે આવતા બાંધકામનો સફાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ર્ચિમ ઉપનગરમાં મલાડમાં ટ્રાફિકજામની સમસ્યાનો ઉકેલ લાવવા માટે પાલિકાના પી-ઉત્તર વોર્ડ દ્વારા અનેક રસ્તાઓને પહોળા કરવાનું કામ ચાલી રહ્યું છે, તેના ભાગરૂપે શુક્રવારે ગોરેગામ-મુલુંડ લિંક રોડને પહોળો કરવાના આડે આવતા બાંધકામને તોડી પાડવામાં આવ્યા હતા.
પી-ઉત્તર વોર્ડના અધિકારીના જણાવ્યા મુજબ ગોરેગામ-મુલુંડ લિંક રોડને પહોળો કરવામાં અનેક બાંધકામ અડચણરૂપ બની રહ્યા છે, જેની સામે સાત જૂન, શુક્રવારના કાર્યવાહી કરીને બાંધકામને હટાવવામાં આવ્યા હતા. મુખ્યત્વે ૫૧ બાંધકામ હટાવવામાં આવ્યા હતા, તેમાંથી સાત રહેણાંક અને ૪૪ બિનરહેણાંક બાંધકામને તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી બે જેસીબી મશીન, ૩૦ કામગાર અને સાત એન્જિનિયરોએ પાર પાડી હતી.