અંધેરી-ઘાટકોપર લિંક રોડ પર પ્રસ્તાવિત ફ્લાયઓવરને આડે આવતા બાંધકામનો સફાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી-ઘાટકોપર લિંક રોડ પરિસરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને પહોળો કરવાના તેમ જ ફ્લાયઓવર ઊભા કરવામાં અડચણરૂપ બની રહેલા ગેરકાયદે બાંધકામને મુંબઈ મહાનગરપાલિકાના ‘એન’ વોર્ડ દ્વારા મંગળવારે તોડી પાડવામાં આવ્યા હતા. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી ઘાટકોપર ગોલીબાર રોડ સુધી આવતા જતા વાહનો માટે મહારાષ્ટ્ર રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કૉર્પોરેશન (મહારેલ) દ્વારા અંધેરી-ઘાટકોપર લિંક રોડ પર ફ્લાયઓવર ઊભો કરવામાં આવી રહ્યો છે. તેથી આ પરિસરની બંને બાજુનો ટ્રાકિક ગોલીબાર રોડથી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સુધી ચાલુ રહેશે. તે માટે અંધેરી-ઘાટકોપર લિંક રોડ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી ગોલીબાર રોડ સુધીના રસ્તાને ૪૫.૭ મીટરથી પહોળો કરવાનું કામ ચાલી રહ્યું છે. રસ્તાને પહોળો કરવાના આ કામમાં અડચણરૂપ રહેલા અતિક્રમણધારકોને પાલિકાના ‘એન’ વોર્ડ તરફથી અનેક વખત જાણ કરવામાં આવી હતી. તેમ જ અત્યાર સુધી સાત વખત મિટીંગ કરીને તેમને આ મુદ્દે જાણ પણ કરવામાં આવી હતી. છતાં બાંધકામ ત્યાંથી હટ્યા નહોતા.
છેવટે પાલિકાએ રસ્તાને પહોળો કરવામાં અડચણરૂપ બનેલા ગેરકાયદે બાંધકામની સામે મંગળવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી હતી અને ૩૮ પાક્કા બાંધકામ તોડી પાડ્યા હતા. તેથી ૧૦૦ મીટર રસ્તો ખુલ્લો થયો છે. આગામી અઠવાડિયામાં બાકીના બાંધકામને તોડી પાડવામાં આવશે.