પાલિકાના અધિકારી-મુકાદમના ત્રાસથી કંટાળી સફાઈ કર્મચારીનો આપઘાત: ત્રણ સામે ગુનો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

પાલિકાના અધિકારી-મુકાદમના ત્રાસથી કંટાળી સફાઈ કર્મચારીનો આપઘાત: ત્રણ સામે ગુનો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પુત્રીની નાદુરસ્ત તબિયતને કારણે મહિનો રજા લીધા પછી સફાઈ કર્મચારીને ડ્યૂટી જૉઈન્ટ કરવાની મંજૂરી ન મળતાં તેણે કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના જોગેશ્ર્વરીમાં બની હતી. મૃતકે સુસાઈડ નોટમાં તેને આપવામાં આવેલા માનસિક ત્રાસનો ઉલ્લેખ કરતાં પોલીસે મુંબઈ મહાનગરપાલિકાના અધિકારી અને બે મુકાદમ સામે ગુનો નોંધ્યો હતો.

ઓશિવરા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના શુક્રવારે જોગેશ્ર્વરી પશ્ર્ચિમમાં આનંદ નગર સ્થિત સર્વોદય કોલોની ખાતે બની હતી. મૃતકની ઓળખ સુભાષ સોનવણે (૪૨) તરીકે થઈ હતી.

પોલીસ ફરિયાદ અનુસાર સોનવણેની પુત્રી બીમાર હોવાથી તેણે કામ પરથી રજા લીધી હતી. લગભગ મહિના સુધી તે ફરજ પર હાજર થયો નહોતો. આઠ દિવસ પહેલાં તે નોકરી પર પાછો ફર્યો હતો, પરંતુ તેને ફરજ પર જોડાવાની મંજૂરી આપવામાં આવી નહોતી. પાલિકાના અધિકારી જિયો કોટેન અને બે મુકાદમે સોનવણેને મળવાનો સમય ન આપ્યો. રૂપિયા લીધા પછી પણ સોનવણેને ડ્યૂટી જૉઈન્ટ કરવામાં સહકાર ન આપ્યો, જેને કારણે તે માનસિક તાણ અનુભવવા લાગ્યો હતો, એવો આક્ષેપ ફરિયાદમાં
કરાયો હતો.

અધિકારીઓના કથિત ત્રાસથી કંટાળી સોનવણેએ શુક્રવારે તેના નિવાસસ્થાન ખાતે દાદરના લોખંડના સળિયા સાથે નાયલોનની રસી બાંધી ગળાફાંસો ખાધો હતો. બેભાન સોનવણેને કૂપર હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઓશિવરા પોલીસને ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં તેને અપાયેલા કથિત ત્રાસનો ઉલ્લેખ કરાયો હતો. પત્ની સંગીતાની ફરિયાદને આધારે પોલીસે ત્રણેય જણ વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ
ધરી હતી.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button