આમચી મુંબઈ

મુંબઈના રસ્તાઓ પર પહેલી ડિસેમ્બરથી ક્લીન અપ માર્શલ દેખાશે

મુંબઈ: કોરોનાનું જોખમ હટી ગયા બાદ પાલિકાએ મુંબઈમાં ક્લીનઅપ માર્શલને કોન્ટ્રેક્ટ વધાર્યો નહોતો. આ કારણે માર્ચ, ૨૦૨૨ના રોજ મુંબઈના રસ્તાઓ પર ક્લીનઅપ માર્શલ દેખાવાનું બંધ થઇ ગયા. હવે ૨૧ મહિના બાદ મુંબઈના રસ્તાઓ પર ફરી એક વાર ક્લીનઅપ માર્શલ દેખા દેશે. પાલિકાના કમિશનર આઈ. એસ. ચહલે મુંબઈનાં ૨૪ વોર્ડમાં ક્લીનઅપ માર્શલની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. શહેરમાં ૧લી ડિસેમ્બરથી રસ્તાઓ પર ક્લીનઅપ માર્શલ તહેનાત કરવામાં આવશે. આ માહિતી પાલિકાના નાયબ કમિશનર ચંદા જાધવે આપી હતી. જાધવના જણાવ્યા અનુસાર રસ્તા અને સાર્વજનિક સ્થાનોએ ગંદકી ફેલાવવાથી રોકવા માટે મુંબઈમાં ફરી એક વાર ક્લીનઅપ માર્શલની નિમણૂક કરવાનો ફેંસલો લેવામાં આવ્યો છે. મુંબઈના માર્ગો પર અંદાજે ૨૧ મહિના બાદ ક્લીનઅપ માર્શલ જોવા મળશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ થોડા દિવસો પહેલાં પાલિકાના મુખ્ય વિસ્તારોની માફક નાના માર્ગો, ગલીઓ અને સાર્વજનિક શૌચાલયોની સાફસફાઈને લઇને નારાજગી વ્યક્ત કરતાં આ ક્ષેત્રોમાં ખાસ ધ્યાન આપવાની તાકીદ કરી હતી. મુખ્ય પ્રધાનના નિર્દેશ બાદ ક્લીનઅપ માર્શલની ફરી એક વાર નિયુક્તિ કરવાનો પાલિકાએ નિર્ણય લીધો છે. પાલિકા છેલ્લા આઠ મહિનાથી ક્લીનઅપ માર્શલને નીમવા માટેના પ્રયાસ કરી રહી છે. આ વખતે ૧૦૦૦ ક્લીનઅપ માર્શલ નિયુક્ત કરવાની યોજના છે. પહેલા તબક્કામાં ૭૨૦ ક્લીનઅપ માર્શલની નિયુક્તિ કરવામાં આવશે. ત્યાર પછી બાકીના ક્લીનઅપ માર્શલને મંજૂરી આપવામાં આવશે. હાલમાં પ્રત્યેક વોર્ડમાં ૩૦થી ૩૫ માર્શલની નિમણૂક કરવામાં આવશે. આ માર્શલ ખાનગી સંસ્થાઓ દ્વારા નિયુક્ત કરવામાં આવશે. ક્લીનઅપ માર્શલ દ્વારા જે દંડ વસૂલવામાં આવશે, એમાંથી ૫૦ ટકા રકમ પાલિકાને મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button