આમચી મુંબઈ

ભિંડીબજારમાં ડીજે સિસ્ટમના અવાજને કારણે બે જૂથ વચ્ચે અથડામણ

૫૦થી વધુ સામે ગુનો ક પથ્થર મારી ઈમારતનો કાચ તોડવાને કારણે વાતાવરણ તંગ બન્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ડોંગરીની દરગાહ તરફ જઈ રહેલા સરઘસમાં મોટા અવાજે વાગતા મ્યુઝિકને કારણે દક્ષિણ મુંબઈના ભિંડીબજાર વિસ્તારમાં બે જૂથ વચ્ચે કથિત અથડામણ થઈ હતી. સૂત્રોચ્ચાર અને પથ્થર મારી ઈમારતનો કાચ તોડવામાં આવતાં વાતાવરણ તંગ બન્યું હતું. પોલીસે ૫૦થી વધુ લોકો વિરુદ્ધ ગુનો નોંધી કડક બંદોબસ્ત ગોઠવી દેતાં મામલો થાળે પડ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

જે. જે. માર્ગ પોલીસના જણાવ્યા મુજબ ઘટના શુક્રવારની રાતે ૧૦ વાગ્યાની આસપાસ ગોલ દેવળ જંક્શન પાસે મૌલાના આઝાદ રોડ ખાતે બની હતી. આ પ્રકરણે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૪૧, ૧૪૯, ૧૬૦, ૪૨૭ તેમ જ મહારાષ્ટ્ર પોલીસ ઍક્ટ અને ધ્વનિ પ્રદૂષણ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણે અરમાન કુરેશી અને સાહિલ કુરેશી સહિત ૫૦થી વધુ જણ સામે ગુનો નોંધવામાં આવ્યો હોઈ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ ફરિયાદ અનુસાર ગોલ દેવળ જંક્શન પાસેથી ડોંગરીની દરગાહ સુધી સરઘસ જવાનું હતું. જોકે અમુક લોકોએ સૂત્રોચ્ચાર કરી ડીજે સિસ્ટમ વગાડવામાં આવી રહી હતી. ડીજેના અવાજને કારણે બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. એમાં એક શખસે હવામાં પથ્થર ફેંકતાં બાજુની ઈમારતનો કાચ તૂટ્યો હતો.

જોતજોતાંમાં મામલો વધી જતાં વાતાવરણ તંગદિલીભર્યું બની ગયું હતું. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સંબંધિત વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેતાં મામલો શાંત પડ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button