સીજેઆઇ ગવઇ પર વાંધાજનક એઆઇ વીડિયો બનાવવા પ્રકરણે પનવેલના રહેવાસી સામે ગુનો

થાણે: ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (સીજેઆઇ) ભૂષણ ગવઇ વિશે વાંધાજનક ઉલ્લેખ ધરાવતો એઆઇ-જનરેટેડ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવા પ્રકરણે નવી મુંબઈના પનવેલના રહેવાસી વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
પનવેલના રહેવાસી આરોપીએ સીજેઆઇ ભૂષણ ગવઇ વિશે વાંધાજનક ઉલ્લેખ ધરાવતો વીડિયો બનાવવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સનો ઉપયોગ કર્યો હતો.
પનવેલ તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શૅર કરાયેલો એ વીડિયો પનવેલના શખસે મંગળવારે જોયો હતો અને બાદમાં તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટ જેટલી અનુશાસનહીન કોર્ટ ક્યારેય જોઈ નથી, કઇ વાત પર ભડક્યા CJI
પોલીસે આ ફરિયાદને આધારે આરોપી સામે બુધવારે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો અને એસસી/એસટી (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીસ એક્ટ) હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને તેની શોધ ચલાવી હતી. વીડિયોના મૂળ સ્રોતને શોધવા માટે સાયબર નિષ્ણાતોની મદદ લેવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
વીડિયો સર્ક્યુલેટ કરવામાં સામેલ આઇપી એડ્રેસ અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સની ચકાસણી કરવામાં આવી રહી છે, એમ પણ અધિકારીએ કહ્યું હતું.
પોલીસે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને વાંધાજનક સામગ્રી તાત્કાલિક દૂર કરવા માટે નિર્દેશ પણ જારી કર્યા છે.
નોંધનીય છે કે નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટમાં ગવઇની કોર્ટરૂમમાં સોમવારે તેમના પર વકીલે જૂતા ફેંકવાનો પ્રયાસ કર્યો હતો, જેને કારણે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ તાત્કાલિક અસરથી તેનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધું હતું.
(પીટીઆઇ)