અડધી રાતે મહિલાના ઘરનો દરવાજો ખટખટાવી લીંબુ માગવાનું મોંઘુ પડ્યું CISF જવાનને
મુંબઇઃ મુંબઈ હાઇકોર્ટમાં એક આઘાતજનક મામલો સામે આવ્યો છે. મધ્યરાત્રીએ એકલી મહિલાના દરવાજે જઈને લીંબુ માટે માગણી કરવી સીઆઈએસએફના જવાન માટે ઘણું મોંઘુ સાબિત થયું છે. સીઆઇએસએફના જવાનને અડધી રાતે પડોશી મહિલાના ઘરે લીંબુ માંગવા માટે જવાબ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. કોટે અડધી રાતે મહિલાને ઘરે જવાની બાબતને ખૂબ જ વાહિયાત ગણાવી હતી. હકીકતમાં સીઆઇએસએફના જવાને તેના અધિકારીઓ દ્વારા લગાવવામાં આવેલા દંડને હાઇકોર્ટમાં પડકાર્યો હતો.
આ કેસમાં સીઆઇએસએફના જવાન અરવિંદ કુમારની અરજીને ફગાવી દેતા ન્યાયમૂર્તિ નીતિન જામદાર અને ન્યાયમૂર્તિ એમએમ સાથે ડિવિઝન બેન્ક છે 11 માર્ચના તેમના આદેશમાં જણાવ્યું હતું કે અરજદાર કોન્સ્ટેબલે ઘટના પહેલા દારૂ પીધો હતો. અરજદારનું આ વર્તન સીઆઈએસએફના જવાનને છાજે તેવું નથી. આ અયોગ્ય છે.
સીઆઇએસએફનો કોન્સ્ટેબલ અરવિંદકુમાર 19 એપ્રિલ 2021 ની રાત્રે પડોશી મહિલાના ઘરે ગયો હતો તે સમયે મહિલા તેની છ વર્ષીય પુત્રી સાથે ઘરમાં એકલી હતી. મહિલાનો પતિ તે સમયે પ. બંગાળમાં ફરજ પર હતો. મહિલા તેને જોઈને ડરી ગઈ હતી. એવા અહેવાલો પણ છે કે મહિલાએ તેને ચેતવણી આપી હતી ત્યારબાદ અરવિંદ કુમાર પાછો જતો રહ્યો હતો.
મહિલાએ આ અંગે વરિષ્ઠ અધિકારીને ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ અરવિંદકુમાર સામે વિભાગ કક્ષાએ તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં અરવિંદ કુમાર પર શિસ્તભંગ અને ગેરવર્તણૂંકના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. સજા તરીકે અરવિંદ કુમારનો પગાર ત્રણ વર્ષ માટે ઘટાડવામાં આવ્યો હતો અને તેનું ઇન્ક્રીમેન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. કોર્ટે તેના પર લાદવામાં આવેલો દંડ રદ્દ કરવાનો પણ ઇનકાર કર્યો હતો.