મધ્ય રેલવેના ડોમ્બિવલી સ્ટેશન પર સિનેમા હોલ
પલાસધારી ખાતે કેમ્પિંગ સાઇટની યોજના
મુંબઈ: રેલની અસ્કયામતોને સાચવવા અને ભાડા સિવાયની આવક વધારવા માટે, મધ્ય રેલવેના વાણિજ્ય વિભાગે ડોમ્બિવલી સ્ટેશન પર પ્રિફેબ્રિકેટેડ સિનેમા હોલ તેમજ પલાસધારી (કર્જત અને ખોપોલી સ્ટેશનો વચ્ચેનું સ્થળ) ખાતે કેમ્પિંગ સાઈટ સ્થાપવાની યોજના બનાવી છે. જોકે રેલ મુસાફરોએ જણાવ્યું હતું કે મધ્ય રેલવેએ પહેલા ટ્રેનો સમયસર ચાલે તેની ખાતરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
મધ્ય રેલવેના સત્તાવાળાઓએ ટેન્ડરો મંગાવ્યા છે, અને તેમને ૧૦ વર્ષના સમયગાળા માટે કાર્યરત રાખશે. એક મધ્ય રેલ્વેના અધિકારીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે સિનેમા હોલ મોટો નહીં પણ પ્રિફેબ્રિકેટેડ હશે જે સ્ટેશનના પરિસરના એક ખૂણામાં સ્થાપિત કરી શકાય. રેલવેને આનાથી વાર્ષિક ₹૪૭.૮૫ લાખની કમાણી થવાની અપેક્ષા છે.
રેલ્વે મુસાફરોએ જણાવ્યું હતું કે મધ્ય રેલવે સત્તાવાળાઓનું ધ્યાન તેમની પ્રાથમિક ફરજોથી ભટકી રહ્યું છે. ફેડરેશન ઓફ સબર્બન રેલવે પેસેન્જર્સ એસોસિયેશનના પ્રમુખ નંદકુમાર દેશમુખે જણાવ્યું હતું કે, આ ખોટી યોજના છે. વધુ સારી પેસેન્જર સુવિધાઓ ઊભી કરવી, રેલ્વે સ્ટેશનો પર ચાલવાની વિશાળ જગ્યાઓ અને ટ્રેનની મુસાફરીમાં સરળતા એ પ્રાથમિકતા હોવી જોઈએ. ડોમ્બિવલી જેવા સ્ટેશનમાં સિનેમા હોલ ફક્ત વધુ ભીડમાં પરિણમશે. વ્યસ્ત સ્ટેશન પર દરરોજ ત્રણ લાખથી પાંચ લાખ મુસાફરોની અવરજવર રહે છે.
મધ્ય રેલવે સત્તાવાળાઓ પલાસધારી ડેમની બાજુની જગ્યાને પિકનિક સ્પોટમાં રૂપાંતરિત કરવાની પણ યોજના બનાવી રહ્યા છે. પલાસધારી, કર્જત પછીનું સ્ટેશન, એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે અને કર્જત-ખોપોલી માર્ગ પરનું રેલ્વે જંકશન છે. ત્યાંનો ડેમ, જે સ્ટેશનથી બે-બે કિલોમીટર દૂર છે, તે મધ્ય રેલવેનો છે.
શિવરાજ માનસપુરે, મુખ્ય પીઆરઓ, મધ્ય રેલવેએ પુષ્ટિ કરી હતી કે પર્યટન પ્રવૃત્તિઓમાંથી ભાડા સિવાયની આવક પેદા કરવા માટે, અમે પાંચ વર્ષના સમયગાળા માટે પલાસધારી ડેમ પર નેચર કેમ્પિંગ પ્રવૃત્તિઓ સ્થાપવા અને ચલાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. આ ટેન્ડર
૩૦ નવેમ્બરે ખોલવામાં આવશે. અમે આ માટે ૧૦૦૦૬.૦૬ ચોરસ મીટર જમીન ફાળવીશું.
આ સ્થળ પર તંબુ, ગાર્ડન એરિયા, પ્લે એરિયા, કાફેટેરિયા, ટોઇલેટ, ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ, લાઇફગાર્ડની દેખરેખ હેઠળ વોટર સ્પોર્ટ્સ, માછલી ઉછેર અને ડેમની ઉપરવાસમાં પ્રવૃત્તિઓ જેવી કે બોટ ક્લબ હશે. આ પ્રોજેક્ટમાં રેલવે માટે ₹૨૭.૯૨ લાખની આવકની સંભાવના છે.
સેન્ટ્રલ રેલવે રૂટ પર એમએમઆરના ઉત્તર ભાગમાં રહેતા રેલ્વે મુસાફરોએ કેમ્પિંગ સાઇટ બનાવવાના તર્ક પર પ્રશ્ર્નો ઊભા કર્યા છે. કલ્યાણ-કસારા રેલ્વે પેસેન્જર એસોસિયેશનના પ્રફુલ શેવાળેએ જણાવ્યું હતું કે, એમાં કોઈ શંકા નથી કે પલાસધારી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. પરંતુ મધ્ય રેલવે સત્તાવાળાઓ કલ્યાણ-કર્જત/કસારા રૂટ પર મુસાફરી કરતા મુસાફરોની મુશ્કેલીઓ દૂર કરવા માટે શું કરી રહ્યા છે જે રોજિંદો સંઘર્ષ કરે છે?