મુખ્ય પ્રધાન શિંદે વિરુદ્ધ ભાજપ!! રેસ કોર્સમાં મફત આજીવન સભ્યપદ માટે મુખ્ય પ્રધાનને સર્વ સત્તા આપવા સામે વિરોધ

મુંબઈ: મહાલક્ષ્મી રેસ કોર્સ (રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ ક્લબ) અને તારદેવમાં આવેલી વિલિન્ગ્ડન સ્પોર્ટસ ક્લબમાં મુખ્ય પ્રધાનને 50 આજીવન મફત સભ્ય નિયુક્ત કરવા દેવાની સત્તા આપતા રાજ્ય સરકારના નિર્ણયને રદ કરવાની માગણી ભાજપના એક ભૂતપૂર્વ નગરસેવક દ્વારા કરવામાં આવી છે.
કોલાબાના ભાજપના ભૂતપૂર્વ નગરસેવક મકરંદ નાર્વેકરે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને જ પત્ર લખીને સરકારના નિર્ણયને રદ કરવાની માગણી કરી છે. તેમણે પોતાના પત્રમાં લખ્યું છે કે આવી રીતે ક્લબ પર નિયુક્તિ કરવાથી ક્લબના સભ્યોની વસ્તીવિષયક બાબતો બદલાઈ જશે, બીજું આને ક્લબ પર રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણ મેળવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી શકે છે. તેમણે રાજ્ય સરકારને એવી પણ સલાહ આપી છે કે આ બાબતને ‘ક્વિડ પ્રો ક્વો’ (ક્લબ તરફથી વળતર) તરીકે જોવાની આવશ્યકતા નથી. તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે સ્પોટર્સ ક્લબમાં ફ્રી મેમ્બરશીપના નોમિનેશન માટે રાજ્ય સરકાર માપદંડો નક્કી કરી શકે છે અને આવા માપદંડો નિર્ધારિત કરવામાં ન આવે ત્યાં સુધી રાજ્ય સરકારના નિર્ણય પર રોક લગાવવી જોઈએ.
આ પણ વાંચો : શિવાજી પાર્કમાં રાહુલ ગાંધી સાથે ઉદ્ધવ દેખાતા શિંદે વિફર્યા, આપ્યું આ નિવેદન
અહીં ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ગયા અઠવાડિયે એક સરકારી ઠરાવ (જીઆર) જારી કરીને મહાલક્ષ્મી રેસ કોર્સના લીઝના રિન્યુઅલ વખતે મુખ્ય પ્રધાનને 50 ફ્રી લાઈફ મેમ્બરને નોમિનેટ કરવાની અને ત્યારબાદ દરવર્ષે ત્રણ સભ્યો નિયુક્ત કરવાની સત્તા આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
તેમણે એમ પણ કહ્યું હતું કે આ ક્લબો એક સદી કરતાં પણ જૂની છે અને મુંબઈની પ્રિમિયર સ્પોર્ટસ અને સોશ્યલ ક્લબોમાં સ્થાન ધરાવે છે. તેઓ મુંબઈના સમૃદ્ધ ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસાના મહત્ત્વપુર્ણ પ્રતિકો છે. જો સરકાર લીઝ પર આપેલી જમીનમાંથી આવક મેળવવા માગતી હોય તો તે ભાડામાં વધારો કરી શકે છે. આ સંસ્થાઓ પહેલેથી જ વિવિધ સરકારી ઓડિટને પાત્ર છે.