મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હરિત થાણે ઝુંબેશ: 3 હજાર વિવિધ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલા મુખ્ય પ્રધાન હરિત થાણે ઝુંબેશ હેઠળ સોમવારે તમામ વોર્ડ સમિતિ વિસ્તારોમાં પાલિકા પરિસર અને ખાનગી જમીનો પર લગભગ ત્રણ હજાર વૃક્ષો વાવવામાં આવ્યા હતા. પાંચમી જુલાઈએ પર્યાવરણ દિવસથી શરૂ થયેલી આ ઝુંબેશમાં અત્યાર સુધીમાં 37,754 વૃક્ષો વાવવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિર્દેશ હેઠળ થાણે મનપાએ 15 ઓગસ્ટ સુધી વાંસ સહિત સ્થાનિક પ્રજાતિના એક લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે.
કમિશનર સૌરભ રાવના માર્ગદર્શન હેઠળ અમલમાં આવી રહેલી આ ઝુંબેશમાં સોમવારે સવારે મનપાના તમામ વિભાગોમાં અને વોર્ડ સમિતિઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્ર નગર મેદાન, કવેસર સુએજ સેન્ટર, કોલશેત કમ્પોસ્ટ પ્લાન્ટ, વાગલે વોટરશેડ વિસ્તાર, રાયલાદેવી તળાવ, સાકેત પોલીસ ગ્રાઉન્ડ, વાગલે ઓપન થિયેટર, ડાયઘર, દિવા, મુંબ્રા ગટર કેન્દ્ર, દાદોજી કોંડદેવ મેદાન, ઘોલાઈનગર વગેરેમાં સ્થાનિક અધિકારીઓ, સ્ટાફ ટ્રી ઓફિસરના સહયોગથી લગભગ 3 હજાર વૃક્ષો વાવવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી.
આ રોપાઓ થાણે મ્યુનિસિપલ ટ્રી ઓથોરિટી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. તેમાં તામ્હણ, બકુલ, જાંબુ, લીમડો, કંચન, બેહડા, મહોગની, સપ્તપર્ણી આગી જેવા દેશી પ્રજાતિના વૃક્ષોનો સમાવેશ થાય છે.
ગયા અઠવાડિયે થાણે મ્યુનિસિપલ વિસ્તારમાં લગભગ 110 હાઉસિંગ સોસાયટીઓના સહયોગથી વિવિધ સ્થળોએ 2,200 વૃક્ષો વાવવામાં આવ્યા હતા. કૃષિ દિવસ નિમિત્તે મુંબઈ યુનિવર્સિટીના ધરમવીર આનંદ દિઘે સબ-સેન્ટર વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં કુલ 300 વૃક્ષો વાવવામાં આવ્યા હતા. તે જ દિવસે થાણે મ્યુનિસિપલ શાળાઓ અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓની ભાગીદારી સાથે શાળા પરિસરમાં નાના પાયે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની શાળાઓ અને કોલેજોના લગભગ 2,500 વિદ્યાર્થીઓએ તેમના સંબંધિત વિસ્તારોમાં રોપાઓ અને 5,400 વૃક્ષો વાવવામાં સક્રિયપણે ભાગ લીધો હતો.