આમચી મુંબઈ

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની વિદેશયાત્રા અચાનક રદ

રાજ્યના રાજકારણમાં ઊથલપાથલના સંકેતની ચર્ચા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અચાનક પોતાની આઠ દિવસની વિદેશયાત્રા રદ કરી હોવાથી રાજ્યના રાજકીય વાતાવરણમાં ગરમાટો આવી ગયો છે. રાજ્યના રાજકારણમાં મોટી ઉથલપાથલના આ સંકેત હોવાનું કેટલાક લોકોનું માનવું છે. અહીં ઉલ્લેખનીય છે કે વિધાનસભ્યોની અપાત્રતા અંગેની સુનાવણી સોમવારે કર્યા બાદ ૧૩મી ઓક્ટોબર પર આગામી સુનાવણી રાખવામાં આવી છે. જ્યારે મુખ્ય પ્રધાનની વિદેશયાત્રા પહેલીથી આઠમી ઑક્ટોબર દરમિયાન હતી.

મળતી માહિતી મુજબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પહેલીથી આઠમી ઑક્ટોબર દરમિયાન જર્મની અને અને બ્રિટનની મુલાકાતે જવાના હતા અને અહીં તેઓ રસ્તા સંબંધી નવી ટેકનોલોજીનો અભ્યાસ પણ કરવાના હતા અને મહારાષ્ટ્રમાં રોકાણ બાબતે કેટલીક બેઠકોમાં સહભાગી થવાના હતા. જોકે, હવે અચાનક આ મુલાકાત રદ કરી નાખવામાં આવી છે. આ બાબતે પુછપરછ કરતાં સરકાર દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે મુખ્ય પ્રધાનની વિદેશયાત્રા રદ નથી કરવામાં આવી, મોકૂફ રાખવામાં આવી છે અને થોડા દિવસ બાદ નવો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે વિધાનસભ્યોની અપાત્રતા પિટિશનની સુનાવણીમાં થઈ રહેલા વિલંબ બાબતે ફટકાર લગાવ્યા બાદ વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે શિવસેનાના વિધાનસભ્યોની અપાત્રતા પિટિશન અંગેની સુનાવણી હાથ ધરી છે. સોમવારે સુનાવણી હાથ ધરીને તેમણે બંને પક્ષની રજૂઆત સાંભળી હતી. તેમણે આગામી સુનાવણી ૧૩ ઑક્ટોબર પર રાખી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિરુદ્ધ શિવસેના ઉદ્ધવ ઠાકરે પક્ષ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને બંને નેતાઓએ પ્રતિષ્ઠાનો બનાવ્યો હોવાથી આ સુનાવણીમાં શું થશે તેના પર આખા રાજ્યની નજર છે અને તેથી જ મુખ્ય પ્રધાને પોતાની વિદેશયાત્રા મોકૂફ રાખી હોવાનું કહેવાય છે. બીજી તરફ મુખ્ય પ્રધાનની વિદેશયાત્રામાં કેબિનેટના કેટલાક સાથીઓ અને કેટલાક અમલદારો પણ સાથે રહેવાના હતા. આવી જ રીતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે બ્રિટનની મુલાકાત વખતે ત્રીજી ઑક્ટોબરે વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમમાં રાખવામાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજના અફઝલખાનની હત્યા માટે વાપરવામાં આવેલા વાઘનખ ભારતમાં પાછા લાવવા માટે સમજૂતીના કરાર કરવાના હતા, પરંતુ હવે મુખ્ય પ્રધાનની વિદેશયાત્રા મોકૂફ રહી હોવાથી સુધીર મુનગંટીવાર
આ સમજૂતીના કરાર કરવા જશે એવું
કહેવાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button