માર્ગ અકસ્માતમાં ઘાયલ જૈન સાધ્વીની મદદે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દોડી આવ્યા
તેમના જ કાફલાની એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ પહોંચાડ્યા: સંવેદનશીલ સ્વભાવ જોવા મળ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો સંવેદનશીલ સ્વભાવ ફરી એકવાર જોવા મળ્યો હતો. સોમવારે બપોરે થાણેથી વિધાન ભવનમાં આવતી વખતે તેમણે ઘાટકોપર પાસે બે જૈન સાધ્વીનો અકસ્માત જોયો હતો. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના મુખ્ય પ્રધાને તેમનો કાફલો અટકાવ્યો અને તેમની મદદ માટે દોડી ગયા હતા.
આ પણ વાંચો: ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા પાસેથી કરોડો રુપિયા વસૂલવા સરકાર આ માર્ગ અપનાવશે
જ્યારે મુખ્ય પ્રધાનની ગાડીઓનો કાફલો ઘાટકોપરના રમાબાઈ આંબેડકર નગર રોડ પાસે પહોંચ્યો ત્યારે મુખ્ય પ્રધાને અકસ્માતની નોંધ લીધી હતી. સ્પીડ વધુ હોવા છતાં મુખ્ય પ્રધાને તેમનો કાફલો અટકાવ્યો અને આ મહિલાઓની મદદ માટે દોડી ગયા. તેમને ખ્યાલ આવ્યો કે જૈન સાધ્વીની કાર પલટી થઈ ગઈ હતી અને તેઓ ઘાયલ થઈ ગઈ હતી. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના, તેમણે પોતાના કાફલામાંથી એમ્બ્યુલન્સ બોલાવી અને તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવા જણાવ્યું હતું. તેમણે ત્યાં તૈનાત મહિલા પોલીસ અને ટ્રાફિક પોલીસને પણ તેની સાથે જવા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
આ પણ વાંચો: ભારતીય ન્યાયસંહિતાની જોગવાઇઓ હેઠળ પહેલો ગુનો ડી.બી. માર્ગ પોલીસમાં દાખલ
આ ઘટનાએ ફરી એક વાર દેખાડ્યું હતું કે મુખ્ય પ્રધાને હોદ્દો છોડીને જરૂરિયાતમંદોને માટે દોડી જવાનું જાળવી રાખ્યું છે. આ ઘટનાએ ફરી એક વાર બતાવ્યું કે મહારાષ્ટ્રને મુખ્ય પ્રધાનના રૂપમાં એવા ભાઈ મળ્યા છે જેઓ માત્ર બજેટમાં જ જોગવાઈઓ કરીને હોર્ડિંગ્સ નથી લગાવતા પણ જ્યારે વાસ્તવિક જરૂરિયાત ઊભી થાય ત્યારે મદદ કરવા દોડી જાય છે.