એમવીએ સરકાર પાસે મારી ધરપકડ કરવાની યોજના હતી: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે

મુંબઈ: મહા વિકાસ આઘાડી સરકારે ભારતીય જનતા પાર્ટીને વિભાજીત કરવા અને તેને બેકફૂટ પર ધકેલવાની યોજનાના ભાગરૂપે દેવેન્દ્ર ફડણવીસની ધરપકડ કરવાની યોજના બનાવી હતી અને આ યોજના સામે વાંધો ઉઠાવ્યો એટલે તેઓએ મારી ધરપકડ કરવાનો પ્લાન પણ બનાવ્યો હતો, એવો ગંભીર અને સનસનાટીપૂર્ણ આરોપ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે કર્યો હતો.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકારે બે વર્ષમાં પાંચ લાખ કરોડના એમઓયુ કર્યા, 2.5 લાખ રોજગાર નિર્માણ થશે: એકનાથ શિંદે
સમાચાર એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં મુખ્ય પ્રધાને આ ગંભીર આરોપ લગાવ્યો હતો. આઈપીએસ અધિકારી પરમવીર સિંહે અગાઉ એએનઆઈને આપેલા ઇન્ટરવ્યુમાં જ એવો આરોપ લગાવ્યો હતો કે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી સરકાર અને તત્કાલીન ગૃહ પ્રધાન અનિલ દેશમુખે દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેની ધરપકડ કરવાની યોજના બનાવી હતી. આ બાબતે એકનાથ શિંદેને કરવામાં આવેલા સવાલનો જવાબ આપતાં તેમણે આ રહસ્ય ખોલ્યું હતું.
આ પણ વાંચો: મરાઠવાડાના આઠ જિલ્લાની 60 વર્ષ જૂની માગણી એકનાથ શિંદેએ પૂરી કરી
શું હતો પ્લાન?
મને આ વાત જાહેર કરવાનું ખરાબ લાગી રહ્યું છે. તેમણે તમામ યોજનાઓ તૈયાર કરી લીધી હતી. જ્યારે તેઓએ કહ્યું કે તેઓ દેવેન્દ્ર ફડણવીસની ધરપકડ કરશે ત્યારે મેં વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ આ પ્રકારનો ફટકો મારવામાં આવશે તો ભાજપને બેકફૂટ પર લાવી શકાશે અને તેમના પક્ષના ઘણા વિધાનસભ્યોને મહાવિકાસ આઘાડીમાં સમાવિષ્ટ કરી શકાશે, એવી દલીલ તેમણે મારી સાથે કરી હતી.
આમ છતાં મેં વિરોધ કર્યો એટલે તેમણે કહ્યું હતું કે આમાં કશું જ ખોટું નથી. તેઓએ આપણને પરેશાન કર્યા છે. તેથી આપણે આ બધું કરવું જોઈએ અને આપણે આ બધું કરવાના છીએ બધી તૈયારી બરાબર થઈ ગઈ છે એવું મને જણાવવામાં આવ્યું હતું એવો દાવો મુખ્ય પ્રધાન શિંદેએ સોમવારે કર્યો હતો.
થાણે શહેરની જમીન વેચવાનો મામલો હતો. તેઓએ મને પણ તે કેસમાં ફસાવવાનો પ્લાન બનાવ્યો હતો. કેટલાક અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી બાદ મને આના પર શંકા ઉપજી હતી. મુખ્ય પ્રધાન બન્યા પછી, હું તેમની સંપૂર્ણ યોજના સમજી ગયો છું, એક એકનાથ શિંદેએ કહ્યું હતું.
અનિલ દેશમુખ પર આરોપ
શિંદેએ આની સાથે એવો પણ દાવો કર્યો હતો કે તત્કાલિન ગૃહ પ્રધાન અનિલ દેશમુખે ગઢચિરોલીમાં નક્સલવાદીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ પણ મને ઝેડ પ્લસ સુરક્ષા આપવાનો ઇનકાર કર્યો હતો.
જ્યારે હું નગર વિકાસ ખાતાનો પ્રધાન હતો, ત્યારે ગઢચિરોલીના વિકાસ અંગે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ગુસ્સે ભરાયેલા નક્સલીઓએ મને મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ, ગુપ્તચર એજન્સીઓ, સુરક્ષા દળોએ મને ઝેડ પ્લસ સુરક્ષા આપવાની ભલામણ કરી હતી, પરંતુ દેશમુખે આ સૂચનને ફગાવી દીધું હતું, એવો દાવો એકનાથ શિંદેએ આ ઈન્ટરવ્યૂમાં કર્યો હતો.