આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં જ છાવા ટેક્સ ફ્રી નહીં થાયઃ જાણો મુખ્ય પ્રધાને આપ્યું આ કારણ

મુંબઇઃ હાલમાં દેશભરમાં છત્રપતિ સંભાજી મહારાજ પર બનેલી વિકી કૌશલ અભિનિત ફિલ્મ ‘છાવા’ની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજના પ્રતાપી પુત્ર સંભાજી મહારાજના જીવનચરિત્રને દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મ લોકોને ઘણી પસંદ આવી છે અને ફિલ્મ દેશભરમાં બોક્સઓફિસ પર કમાણીના નવા નવા રેકોર્ડ બનાવી રહી છે. તે જ સમયે વિવિધ સંગઠનો અને પક્ષો માંગ કરી રહ્યા છે કે આ ફિલ્મને મહારાષ્ટ્ર ટેક્સ ફ્રી બનાવવામાં આવે. હવે આ અંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે આ ફિલ્મ મહારાષ્ટ્રમાં કર મુક્ત નહીં થઈ શકે.

મહારાષ્ટ્રમાં ‘છાવા’ ટેક્સ ફ્રી નહીં કરવા માટે આ કારણ આપ્યુંઃ-
મીડિયા સાથે વાત કરતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે છત્રપતિ સંભાજી મહારાજને અપ્રતિમ બહાદુરી અને વિદ્વતાના વખાણ કરીએ તેટલા ઓછા છે, પરંતુ ઇતિહાસે તેમની સાથે મોટો અન્યાય કર્યો હતો. ‘છાવા’ ફિલ્મે તેમની જીવન કહાની સુંદર રીતે હવે રૂપેરી પડદે રજૂ કરી છે. આ ફિલ્મ ઐતિહાસિક રીતે બનાવવામાં આવી છે અને લોકો આ ફિલ્મને કરમુક્ત કરવાની માગ કરી રહ્યા છે, પરંતુ મારે ફક્ત એક જ સ્પષ્ટતા કરવાની છે કે મહારાષ્ટ્રમાં કોઈ મનોરંજન કર નથી. જ્યારે અન્ય રાજ્યો કોઈ ફિલ્મને કર મુક્ત બનાવે છે ત્યારે તેઓ મનોરંજન કર નાબુદ કરે છે, પરંતુ મહારાષ્ટ્રમાં કોઈ મનોરંજન વેરો જ નથી. મહારાષ્ટ્રએ 2017માં કાયમી ધોરણે મનોરંજન વેરો (એન્ટરટેઇનમેન્ટ ટેક્સ) નાબૂદ કરી દીધો છે, તેથી અમે આ ફિલ્મને કરમુક્ત કરી શકીએ તેમ નથી. આ ફિલ્મને પ્રમોટ કરવા માટે અને સંભાજી મહારાજનો ઇતિહાસ દરેક સુધી પહોંચાડવા માટે અમે અમારાથી બનતું બધું જ કરવા તૈયાર છીએ.

આ પણ વાંચો…જો ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન ના બન્યા હોત તો….

નોંધનીય છે કે લક્ષ્મણ ઉત્તેકર દ્વારા દિગ્દર્શિત અને વિકી કૌશલ સ્ટારર ફિલ્મ ‘છાવા’ રજૂ થયા પછી સતત ચર્ચામાં છે. આ ફિલ્મ છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં વિકી કૌશલ સંભાજીના પાત્રમાં જોવા મળે છે. રશ્મિકા મંદન્ના તેમની પત્ની યેસુબાઈની ભૂમિકા ભજવી રહી છે અને અક્ષય ખન્ના મોગલ સમ્રાટ ઔરંગઝેબની ભૂમિકામાં છે. લોકો આ ફિલ્મના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે અને ફિલ્મ બોક્સ ઓફિસ પર બંપર કલેક્શન કરી રહી છે. આ જોઈને ફેડરેશન ઑફ વેસ્ટન ઇન્ડિયા સીને એમ્પ્લોઇઝ (FWICE)એ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ‘ફિલ્મ છાવા’ને કરમુક્ત કરવા માટે રજૂઆત કરી હતી જેના જવાબમાં મુખ્યપ્રધાને ઉપરોક્ત સ્પષ્ટતા કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button