મુંડેના ક્વોટાનું પ્રધાનપદ, મુંડેના ખાતા બાદ હવે છગન ભુજબળને ધનંજય મુંડેનો જ બંગલો મળ્યો
જોકે હજી સુધી ધનંજય મુંડેએ આ બંગલો ખાલી કર્યો નથી એટલે રહેવા જઈ શકશે નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્ય સરકારે નવા સામેલ થયેલા એનસીપીના પ્રધાન છગન ભુજબળને મલબાર હિલ ખાતે ‘સાતપુડા’ નામનો બંગલો ફાળવ્યો છે. આ અંગેનો આદેશ રાજ્યના જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (જીએડી) દ્વારા જારી કરવામાં આવ્યો હતો. જોકે, ભૂતપૂર્વ પ્રધાન ધનંજય મુંડેએ રાજીનામાના બે મહિનાથી વધુ સમય પછી પણ આ બંગલો ખાલી કર્યો નથી.
એલ.ડી. રૂપારેલ માર્ગ પર સ્થિત સાતપુડા બંગલો 4,667 ચોરસ ફૂટનો વિશાળ વિસ્તાર ધરાવે છે. ડિસેમ્બરમાં મુંડેને નવા અન્ન અને નાગરી પુરવઠા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા પછી તેમને આ બંગલો ફાળવવામાં આવ્યો હતો. જોકે, મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખની ક્રૂર હત્યાના વિવાદને પગલે મુંડેને ચોથી માર્ચે પ્રધાન પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી.
શાસક પક્ષ એનસીપીનો પ્રધાનોનો ક્વોટા ભુજબળે પ્રધાન તરીકે શપથ લીધા ત્યારે ભરાયો હતો. ભુજબળને મુંડેનો જ અન્ન અને નાગરી પુરવઠા વિભાગ આપવામાં આવ્યો હતો, જ્યારે સાતપુડા પણ તેમને ફાળવવામાં આવ્યો હતો.
પીડબ્લ્યુડીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રધાનને સત્તામાંથી મુક્ત કર્યા પછી, તેમણે આગામી 15 દિવસમાં સરકારી બંગલો ખાલી કરવાનો હતો. ‘જો તેઓ આમ નહીં કરે, તો તેમને મિલકતના ભાડા તરીકે પ્રતિ ચોરસ ફૂટ રૂ. 200 ચૂકવવાનું કહેવામાં આવશે,’ એમ તેમણે કહ્યું હતું. ‘આ કિસ્સામાં રકમ દર મહિને રૂ. 9.33 લાખ સુધી જાય છે.’
જાહેર બાંધકામ વિભાગે મુંડેને બંગલો ખાલી કરવા કહ્યું છે અને તેમના નજીકના લોકોએ કહ્યું છે કે ભૂતપૂર્વ પ્રધાન આ મહિનાના અંત સુધીમાં આ કામ કરશે. જોકે, મુંડેએ કોલ અને ટેક્સ્ટ સંદેશાઓનો જવાબ આપ્યો ન હતો.