મહારાષ્ટ્રના આ પ્રધાનને મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો કોણ છે?
મુંબઈ: મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવાની સાથે ઓબીસીને પણ અનામત આપવા મુદ્દે વિવાદ વકરી રહ્યો છે. મરાઠાઓને અનામત આપવા મુદ્દે મનોજ જરાંગે આક્રમક વલણ અપનાવી રહ્યા છે, જ્યારે ઓબીસી (અધર બેકવર્ડ ક્લાસ-અન્ય પછાત વર્ગ) માટે અનામત મુદ્દે આક્રમક અભિગમ અપનાવનારા મહારાષ્ટ્રના કદાવર નેતા છગન ભુજબળને ધમકીભર્યો પત્ર મોકલવામાં આવ્યો હોવાનો ચોંકાવનારા સમાચાર મળ્યા છે.
નાશિક ખાતેના ભુજબળના કાર્યાલય ખાતે આ પત્ર મોકલવામાં આવ્યો હતો. આ પત્રમાં છગન ભુજબળને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. મેં તને જાનથી મારી નાંખવાની સુપારી લીધેલી છે, એમ પત્રમાં લખવામાં આવ્યું હોવાનું ભુજબળે પત્રકારોને જણાવ્યું હતું.
પત્રમાં કઇ હૉટેલમાં બેસીને ભુજબળને મારવાનું કાવતરું રચવામાં આવ્યું તેનો ઉલ્લેખ ઉપરાંત ભુજબળની ગાડીનો નંબર શું છે તે પણ જણાવવામાં આવ્યું હોવાનું ભુજબળે જણાવ્યું હતું.
પોતાને આવી ધમકીઓ અનેક વખત મળી હોવાનું જણાવતા ભુજબળે કહ્યું હતું કે મારા જીવનમાં આવા અનેક ધમકીભર્યા પત્રો મળ્યા છે અને તેવા પ્રયત્નો પણ થયા. પણ આપણે આ બધુ પોલીસ ઉપર છોડી દેવાનું. હવે ઘરે તો બેસી કાય નહીં. આપણે લીધેલા નિર્ણયથી પણ ફરી શકાય નહીં. જે કંઇ પરીણામ હશે તે હશે. અમે પોલીસને બધી માહિતી આપી દીધી છે.