ફોરેન ટૂર પેકેજના નામે લોકો સાથે લાખો રૂપિયાનીછેતરપિંડી: કંપનીના ડિરેક્ટર સહિત બેની ધરપકડ
મુંબઈ: ફોરેન ટૂર પેકેજ તેમ જ ક્લબ મેમ્બરશિપના નામે લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે કંપનીના ડિરેક્ટર સહિત બે જણની ધરપકડ કરી હતી. બંને આરોપીની ઓળખ હિમાંશુ અશ્ર્વની તિવારી (27) અને નોમાન ઝુબેર અહમદ કૈસર (28) તરીકે થઇ હોઇ તેઓ ઉત્તર પ્રદેશના વતની છે.
કંપની શરૂ કર્યા બાદ મુંબઈ તથા અન્ય સ્થળે સેમિનાર યોજીને તેમાં આમંત્રિત લોકોને સસ્તામાં ફોરેન ટૂર પેકેજની લાલચ આપી તથા ક્લબ મેમ્બરશિપને નામે તેમની પાસેથી લાખો રૂપિયા લઇ છેતરપિંડી આચરવામાં આવતી હોવાની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-3ને મળી હતી, જેને પગલે ઘાટકોપર અને સાકીનાકા પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ગુનો દાખલ કરાયો હતો અને તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરાઇ હતી.
પોલીસ અધિકારીઓને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ઉપરોક્ત કંપનીના સંચાલક તથા અન્ય આરોપીઓ સાકીનાકામાં શરૂ કરેલી કંપનીની ત્રણ ઓફિસ બંધ કરીને ફરાર થયા છે. આથી તેમની શોધ ચલાવવામાં આવી હતી અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી તથા મળેલી માહિતીને આધારે પોલીસ ટીમે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં જઇ હિમાંશુ તિવારીને તાબામાં લીધો હતો. તેની પૂછપરછમાં આરોપી નોમાન કૈસરનું નામ સામે આવ્યું હતું. પોલીસે બાદમાં નોમાન કૈસરને પણ અંધેરીથી ઝડપી પાડ્યો હતો. આરોપીઓએ આ પ્રમાણે 12થી 15 લોકો સાથે છેતરપિંડી આચરી હોવાનું તપાસમાં જણાયું હતું.