વિદેશમાં નોકરીને બહાને યુવાનો સાથે છેતરપિંડી: બે જણની ધરપકડ
મુંબઈ: વિદેશમાં નોકરી મેળવી આપવાને બહાને યુવાનો સાથે છેતરપિંડી આચરવા બદલ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસે ભિવંડીથી રામકૃપાલ કુશવાની અને દિલ્હીથી રોહિત સિંહાની ધરપકડ કરી હતી અને હવે આ ટોળકીના અન્ય છ સભ્યોની શોધ ચલાવાઇ રહી છે, જેમણે અઝરબૈજાનમાં નોકરી અપાવવાને બહાને અનેક યુવાનોને ચૂનો ચોપડ્યો છે.
પોલીસના કહેવા મુજબ આરોપીઓ દક્ષિણ મુંબઈમાં શહીદ ભગતસિંહ માર્ગ પર બોમ્બે ક્ધસલટન્સી નામે રિક્રૂટમેન્ટ અને પ્લેસમેન્ટ સર્વિસ ચલાવતા હતા અને તેમણે અઝરબૈજાનમાં નોકરીને બહાને યુવાનો પાસેથી રૂ. ૫૦ હજારથી રૂ. એક લાખ લીધા હતા.
તેઓ યુવાનોને નોકરી અંગેના બોગસ દસ્તાવેજો દેખાડી પૈસા પડાવતા હતા. છેતરાયેલા યુવાનોમાં મોટા ભાગના બિહારના છે. પીડિતોએ જ્યારે તેમના પાસપોર્ટ પાછા માગ્યા ત્યારે આરોપીઓએ પાસપોર્ટના બદલામાં તેમની પાસે ખંડણી માગી હતી.
પોલીસ ટીમે ક્ધસલટન્સી ઓફિસમાં રેઇડ પાડીને રાઉટર, બે ટેલિફોન, બનાવટી રબર સ્ટેમ્પ, વિઝા અને ૨૧ પાસપોર્ટ જપ્ત કર્યા હતા. આ ટોળકીએ ૪૦થી ૫૦ યુવાનો સાથે છેતરપિંડી કરી હોઇ ટોળકીના મુખ્ય સૂત્રધાર આશિષ કુમાર અને તેના સાથીદારોની પોલીસ દ્વારા શોધ ચલાવાઇ રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.