પ્રતિદિન દોઢ ટકા વ્યાજની લાલચે રોકાણકારો સાથે છેતરપિંડી: ઈન્વેસ્ટમેન્ટ ફર્મના ડિરેક્ટરની ધરપકડ
યોગેશ સી. પટેલ
મુંબઈ: મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)એ પ્રતિદિન દોઢ ટકા વ્યાજ આપવાની લાલચ બતાવી ૯૨ રોકાણકારો સાથે કરોડો રૂપિયાની કથિત છેતરપિંડી કરવાના કેસમાં અંધેરીની ઈન્વેસ્ટમેન્ટ ફર્મના ડિરેક્ટરની ધરપકડ કરી હતી. શરૂઆતમાં વ્યાજ ચૂકવીને રોકાણકારોનો વિશ્ર્વાસ કેળવ્યા પછી આરોપીએ નફો તો ઠીક, મૂળ રકમ આપવામાં પણ ઠાગાઠૈયા કરવા માંડ્યા હતા.
અંધેરી પૂર્વમાં રહેતા શફી પટેલની ફરિયાદને આધારે પોલીસે ઑગસ્ટ, ૨૦૨૩માં ઉમેશ રામધન રાયપુરે (૩૯) વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મળેલા પુરાવાને આધારે આર્થિક ગુના શાખાએ સોમવારે સાંજે રાયપુરેની ધરપકડ કરી હતી. કોર્ટે ૬ ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.
રાયપુરેએ પ્રતિદિન દોઢ ટકા વ્યાજની લાલચ આપી લોકોને તેની કંપનીમાં આર્થિક રોકાણ માટે લલચાવ્યા હતા. રોકાણકારોનો વિશ્ર્વાસ સંપાદન કરવા માટે શરૂઆતમાં રોકાણકારોને સમયસર વ્યાજ પણ ચૂકવવામાં આવ્યું હતું, એવું ફરિયાદમાં જણાવાયું હતું.
ફરિયાદીએ પણ રાયપુરેની કંપનીમાં રોકાણ કર્યું હતું. જોકે ઑક્ટોબર, ૨૦૨૨થી ફરિયાદીને રોકાણ કરેલી રકમ પર વ્યાજ મળવાનું બંધ થઈ ગયું હતું. ફરિયાદી સહિત અન્ય રોકાણકારોએ વારંવાર તેમની મુદલ વિશે પૂછપરછ કરતાં રાયપુરેએ રકમ ચૂકવી દેવાની ખાતરી આપી હતી. જોકે મહિના વીત્યા છતાં રોકાણકારોને વ્યાજ અથવા મુદલ પાછી મળી નહોતી. આખરે રોકાણકારોએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
ફરિયાદ અનુસાર પટેલે રાયપુરેની સ્કીમમાં છ લાખ રૂપિયા ગુમાવ્યા હતા. એ સિવાય અન્ય ૯૧ જણે પણ કંપનીમાં રોકાણ કર્યું હતું. એપ્રિલ, ૨૦૨૨થી રોકાણકારોએ ૩.૭૮ લાખ રૂપિયા ગુમાવ્યા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.