ગરબાના પાસ સસ્તી કિંમતે આપવાની લાલચે છેતરપિંડી: ચાર જણ પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બોરીવલી પશ્ચિમમાં આયોજિત ગરબાના પાસ સસ્તી કિંમતે આપવાની લાલચે કાંદિવલીના વેપારી સાથે લાખો રૂપિયાની કથિત છેતરપિંડી કરવા બદલ પોલીસે હોટેલિયર સહિત ચાર જણની ધરપકડ કરી હતી.
એમએચબી કોલોની પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ અશ્વિન રમાકાંત સુર્વે (૨૪), શ્રીપાલ મૂકેશ બાગડિયા (૩૮), સુશીલ રાજારામ તિરલોટકર (૩૦) અને સંતોષ ભાગવત ગુંબરે (૩૫) તરીકે થઈ હતી. કાંદિવલી પૂર્વમાં રહેતો આરોપી સુર્વે હોટેલ ચલાવતો હોવાનું પોલીસનું કહેવું છે.
કાંદિવલીમાં રહેતા નિહાર મોદીએ નોંધાવેલી ફરિયાદને આધારે એમએચબી કોલોની પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ ફરિયાદ અનુસાર આરોપીએ વેપારીને ગરબા આયોજનના પાસ સસ્તી કિંમતે આપવાની લાલચ આપી હતી. ફરિયાદી પાસેથી પાંચ લાખથી વધુની રકમ પડાવી આરોપીએ પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઑફ્ફ કરી નાખ્યો હતો.
પોલીસે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી આરોપીની શોધ હાથ ધરી હતી. દહિસર ચેકનાકાથી ગોરેગામ સુધીના અંદાજે ૮૭ સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસવામાં આવ્યાં હતાં. ફરિયાદી સાથે છેતરપિંડી કર્યા પછી આરોપીએ એ નંબરનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું. પોલીસ શોધી ન શકે તે માટે ત્રણથી ચાર બદલીને અલગ અલગ વિસ્તારોમાં ફરી આરોપી ઘરે પહોંચ્યો હતો. પકડાયેલા ચારેય આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.