ગણેશ વિસર્જન માટે મોબાઇલ વૅનનો રથ
મુંબઈ: પર્યાવરણને અનુકૂળ ગણેશોત્સવને પ્રોત્સાહન માટે મુંબઈ મહાનગર પાલિકા આ વર્ષે ગણેશ વિસર્જન માટે મોબાઇલ વૅનની વ્યવસ્થા કરશે. ફુલોથી સજાવેલી વૅન દરેક સોસાયટીના દરવાજે ઊભો રહેશે. મૂર્તિઓના વિધિવત્ વિસર્જનની તકેદારી મહાનગર પાલિકા રાખશે. દરેક વૉર્ડમાં મોબાઇલ વૅન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
મુંબઈમાં બાર હજારથી વધુ સાર્વજનિક ગણેશોત્સવ મંડળો અને બે લાખથી વધુ ઠેકાણે ઘરપરિવારોના ગણેશોત્સવ ઉજવાય છે. મંગળવાર, ૧૯ સપ્ટેમ્બરથી ગણેશોત્સવની ઉજવણી શરૂ કરવામાં આવશે. તેથી એ રીતે પાલિકાએ તેનું તંત્ર તૈયાર કર્યું છે. પાલિકાએ લોકોને કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરીને પર્યાવરણના રક્ષણના અભિયાનને પીઠબળ આપવાનો અનુરોધ કર્યો છે. ગણેશોત્સવ મંડળોને ઉત્સવની પરવાનગી માટે અરજી કરવાની મુદત બે દિવસ લંબાવાઈ છે. હવે ૧૫ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે. આવી પરવાનગી માટે પાલિકાને ૩૪૦૦થી વધારે અરજીઓ મળી છે. તેમાંથી ૩૦૦૦થી વધારે અરજીઓને મંજૂરી અપાઈ છે. પાલિકાએ વિસર્જન માટે ૩૦૦થી વધુ કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરી છે. (એજન્સી)