બાલવાડીથી બીજા ધોરણ સુધી સ્કુલના સમયમાં ફેરફાર
નાગપુર: બાલવાડીથી બીજા ધોરણ સુધી શાળાનો સમય બદલવા પર સરકાર વિચાર કરી રહી છે. આ સંદર્ભે સરકારે નિષ્ણાતોની ટીમ બનાવી છે. આ ટીમમાં નાના બાળકોના ડૉકટરો અને મનોવૈજ્ઞાનિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષણ પ્રધાન દીપક કેસરકરે કહ્યું કે સરકાર આગામી શૈક્ષણિક વર્ષથી તેનો અમલ કરવા માગે છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર માને છે કે નાના બાળકોની સંપૂર્ણ ઊંઘ તેમના માનસિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. વાલીઓ તેમના બાળકોને શાળાએ મોકલવા માટે સવારે વહેલા ઉઠાડે છે, જેના કારણે તેઓની ઊંઘ પૂરી થતી નથી. આવી સ્થિતિમાં સરકારનું માનવું છે કે જો સવારે નવ વાગ્યા પછી નાના બાળકો માટેના ક્લાસ શરૂ કરવામાં આવે તો બાળકોને સવારે વહેલા ઉઠવું નહીં પડે.
શિક્ષણ પ્રધાને કહ્યું કે તેઓ બાળકોના ડૉકટરો અને મનોવૈજ્ઞાનિકોને મળ્યા બાદ તેમના ભલામણથી કેજી, સિનિયર કેજી (ક્ધિડરગાર્ડન), પહેલા ધોરણ અને બીજા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શાળા સમય બદલવાની છે. સોમવારે એક ખાસ બેઠકમાં શિક્ષણ પ્રધાન કેસરકરે એમ પણ કહ્યું હતું કે નિષ્ણાતોની ટીમ તેનો યોગ્ય અભ્યાસ કરી રહી છે. જ્યારે શિક્ષણ પ્રધાનને પૂછવામાં આવ્યું કે તેનો અમલ ક્યારે થશે તો તેમણે કહ્યું કે આ બધું નિષ્ણાતોના રિપોર્ટ પર નિર્ભર છે. જો રિપોર્ટ પોઝિટિવ આવશે તો આગામી શૈક્ષણિક વર્ષથી જ તેનો અમલ કરવામાં આવશે.