મુંબઈના વાતાવરણમાં પલટો: અનેક વિસ્તારોમાં વંટોળ સાથે વરસાદ
લોકલ ટ્રેન સેવા પર અસર, પ્રવાસીઓને હાલાકી

મુંબઈ: ગુજરાત, દિલ્હી સહિત ઉત્તર ભારતમાં બદલાયેલા વાતાવરણની અસર સમી સાંજે મુંબઈમાં જોવા મળી હતી. રાતના મુંબઈ સહિત પરના વિસ્તારોમાં વાદળો છવાઈ ગયા હતા. ઉપરાત ભારે પવન સાથે વંટોળ આવતા વરસાદનું આગમન થયું હતું. પરિણામે મુંબઈની લોકલ ટ્રેન સેવા પર અસર થઈ હતી.
મુંબઈ સહિત થાણે શહેરમાં અચાનક વાતાવરણમાં પલટા સાથે ગરમી માં વધારો થયો હતો. રાતના મુલુંડ, ઘાટકોપર, બોરીવલી સહિત અન્ય જગ્યાએ વરસાદ પડ્યો હતો. એટલું જ નહીં મુલુંડમાં અનેક જગાએ આંધી વંટોળ સાથે વરસાદ પડતા અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. અચાનક વરસાદ પડવાને કારણે ગરમીમાં ઔર વધારો થયો હતો.
મુંબઈમાં જોગેશ્વરી, અંધેરી, બાંદરા સહિત અન્ય વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે પવન ફૂંકાયો હતો, જ્યારે વસઈ અને વિરારમાં પણ અચાનક આવેલા વરસાદથી આંશિક રીતે જનજીવન પર અસર થઈ હોવાનું, સ્થાનિકે જણાવ્યું હતું.
આ અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી ત્રણથી ચાર કલાક કલાકમાં 50 60 કિલોમીટર ની ઝડપથી પવન ફૂંકાશે, જેથી મુંબઈ, થાણે, પાલઘર અને નાશિકના રહેવાસીઓએ સાવચેતી રાખવી હિતાવહ રહેશે. રાજ્યના અમુક જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
વરસાદ અને વંટોળને કારણે મુંબઈના પરિવહન પર પણ આંશિક અસર જોવા મળી હતી. રાતની ડાઉન લોકલ ટ્રેન સેવા પર અસર જોવા મળી હતી. મધ્ય રેલ્વમેમાં લોકલ CSMT કલ્યાણની ફાસ્ટ લાઇન અને પશ્ચિમ રેલવેમાં બોરીવલી સેકશનમાં ટ્રેનો મોડી દોડવાને કારણે ટ્રેનોમાં ભયાનક ગીચતા વધી હતી. પશ્ચિમ રેલવેમાં ભારે પવનને કારણે દહિસર ખાતે ઓવરહેડ ઇક્વિપમેન્ટ(OHE)માં કપડું ભરાઈ જવાને કારણે લોકલ ટ્રેનસેવા ખોરવાઈ હતી. અપ એન્ડ ડાઉન લાઇનની ટ્રેનો મોડી પડી હતી. પરિણામે અનેક પ્રવાસીઓએ રેલવેની ઝાટકણી કાઢી હતી.
આ પણ વાંચો મિશન 150 દિવસ : ફડણવીસે મહારાષ્ટ્ર સરકારના કર્મચારીઓ માટે જાહેર કર્યો કાર્યક્રમ