આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદની શક્યતા
મુંબઇ: છેલ્લા એક સપ્તાહથી દેશમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. કેટલાક શહેરોમાં સૂર્યનો તાપ અનુભવાયો છે તો કેટલીક જગ્યાએ ઠંડીનો અહેસાસ પણ થયો છે. પૂર્વીય પવનોને કારણે હવામાં ઝાકળનું પ્રમાણ વધી ગયું છે. જેના કારણે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે અને હવામાન વિભાગે આગામી ૪૮ કલાકમાં કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ થવાની આગાાહી કરી છેે.
આ સાથે હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. દેશમાંથી ચોમાસું સંપૂર્ણ રીતે પાછું ખેંચાઈ ગયું હોવા છતાં તમિલનાડુ અને કેરળના વિવિધ ભાગોમાં હજુ પણ ભારે વરસાદ ચાલુ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન આંદામાન-નિકોબાર ટાપુઓ, કેરળ અને તમિલનાડુમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ નોંધાયો હતો. મહારાષ્ટ્રની વાત કરીએ તો સિંધુદુર્ગ અને કોલ્હાપુર વિસ્તારમાં આગામી ૪૮ કલાકમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. ગોવા, કોલ્હાપુર, સિંધુદુર્ગ જિલ્લામાં પણ વરસાદ થઈ રહ્યો છે.
આ સાથે કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વરસાદ અરબી સમુદ્રમાં ઓછા દબાણનો પટ્ટો બનવાને કારણે થયો છે.