૨૪ કલાકમાં ભારે વરસાદની શક્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં બુધવારે સાંજે અચાનક આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને સાંજના સાડા વાગ્યા બાદ વીજળીના ગડગડાટ સાથે ઠેર ઠેર જોશેભર વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું હતું, તેને કારણે ઑફિસેથી ઘરે પાછા ફરી રહેલા મુંબઈગરાને ભીંજાવાની નોબત આવી હતી. હવામાનના નિષ્ણાતોના કહેવા મુજબ ચોમાસું પાછું ખેંચાવાના આ લક્ષણો છે, તેથી આગામી દિવસોમાં આ રીતે સાંજના સમયે વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડવાની શક્યતા સર્જાઈ શકે છે.
મુંબઈમાં બપોર સુધી અનેક વિસ્તારમાં આકરો તડકો રહ્યો હતો. જોકે ત્રણ વાગ્યા બાદથી અનેક વિસ્તારોમાં વાદળો ઘેરાવા માંડ્યા હતા અને આકાળ કાળુ ડિંબાગ થઈ ગયું હતું અને ચાર વાગ્યાથી ધીમો વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું હતું તો સાડા ચાર વાગ્યા બાદ તો અમુક વિસ્તારોમાં વીજળીના ગડગડાટ સાથે ભારે વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું હતું, તેને કારણે છત્રી વગર નીકળેલા લોકો ભીંજાઈ ગયા હતા.
સાંજે ચાર વાગ્યા સુધીમાં વીજળીનો ગડગડાટ થવાનું ચાલુ થઈ હતું અને એ સાથે જ મુંબઈના પશ્ર્ચિમ પરામાં અંધેરી, બાંદ્રા, બોરીવલી, દહિસર સહિત મીરા રોડ, ભાયંદર, થાણે અને નવી મુંબઈના વિસ્તારોમાં વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું હતું. લગભગ એક કલાક સુધી ભારે વરસાદ રહ્યો હતો. હવામાન ખાતાના કહેવા મુજબ સાંજના ૫.૩૦ વાગ્યા સુધીમાં કોલાબામાં ૧૩ મિલીમિટર અને સાંતાક્રુઝમાં ૨૨.૬ મિ.મિ. વરસાદ નોંધાયો હતો. તો મુંબઈમાં સપ્ટેમ્બરનો અત્યાર સુધી માસિક સરેરાશ ૩૫૯.૬ મિ.મિ. કરતા વધુ વરસાદ પડી ચૂક્યો છે.
હવામાન ખાતાના કહેવા મુજબ દેશના અનેક ભાગોમાં નૈઋત્યના ચોેમાસાની વિદાય થવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. આગામી બે-ત્રણ દિવસ દરમિયાન ઉત્તર-પશ્ર્ચિમ અને અડીને આવેલા પશ્ર્ચિમ ભારતના કેટલાક ભાગોમાંથી નૈઋત્યનું ચોમાસું પાછું ખેચવા માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. તો મુંબઈમાં સત્તાવાર રીતે ચોમાસાની વિદાય આઠ ઑક્ટોબરની આસપાસ થાય છે.
મહારાષ્ટ્રમાં બરોબર ગણેશોત્સવ દરમિયાન ચોમાસું સક્રિય થયું છે. બુધવારે મુંબઈ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ રહ્યો હતો. ત્યારે હવામાન ખાતાના અધિકારીના કહેવા મુજબ દક્ષિણ છત્તીસગઢ અને પડોશમાં રહેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણેે વરસાદ પડી રહ્યો છે અને ઉત્તર કર્ણાટકથી નીચા ઉષ્ણ કટિબંધીય સ્તરોમાં આ સર્ક્યુલેશનનો એક ટ્રફ ચાલી રહ્યો છે. પૂર્વીય અને પશ્ર્ચિમી પવનો વચ્ચે સામ-સામે થતી અથડામણની પ્રક્રિયા આ પ્રકારની વાવાઝોડાની પ્રવૃતિ તરફ દોરી જાય છે. આ સામાન્ય રીતે બપોર પછી શરૂ થાય છે અને સાંજ સુધી જાય છે અને અમુક વખતે સાંજથી રાતના સમય વચ્ચે જોવા મળે છે. જોકે આવા તીવ્ર વાવાઝોડાની પ્રવૃતિ એક કલાકથી વધુ સમય માટે જોવા મળતી નથી.
હવામાન ખાતાએ બુધવાર સુધી આખા રાજ્યમાં હવામાન ખાતાએ યલો ઍલર્ટ જાહેર કર્યું છે, તે મુજબ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં આગામી ૨૪ કલાક દરમિયાન વીજળીના ગડગડાટ સાથે મુશળધાર વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન ખાતાએ આપેલી માહિતી મુજબ વિદર્ભમાં યવતમાળ, વાશિમ, વર્ધા, નાગપૂર, ગોંદિયા, ગઢચિરોલી, ચંદ્રપૂર, ભંડારા, અમરાવતી, અકોલા, મરાઠવાડના છત્રપતિ સંભાજી નગર, જાલના, પરભણી, બીડ તો મધ્ય મહારાષ્ટ્રના પુણે, સતારા, સોલાપૂર, ઉત્તર મહારાષ્ટ્ર, નાશિક, જળગાંવ, કોંકણ, રત્નાગિરી, રાયગઢ, થાણે આ જિલ્લામાં ૨૭ સપ્ટેમ્બર સુધી યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પુણે અને પિંપરી ચિંચવાડ પરિસરમાં શુક્રવારથી વરસાદનું જોર વધવાની શક્યતા છે. તો કોંકણ, મરાઠવાડા, પશ્ર્ચિમ મહારાષ્ટ્રમાં દિવસ દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો.