સેક્સટોર્શન અને ફ્રોડ કોલથી તમારુું રક્ષણ કરશે ‘ચક્ષુ’
સરકારે લોંચ કરી નવી સિસ્ટમ, શંકાસ્પદ નંબરની કરી શકાશે ફરિયાદ
મુંબઈ: દેશમાં દરરોજ હજારો લોકોની સાથે લાખો રૂપિયાની સાઈબર ઠગો ઠગાઈ કરતા હોય છે. ફ્રોડ કોલ્સ, સેક્સટોર્શન, એસએમએસ કે પછી વ્હોટ્સએપ, ટેલિગ્રામ જેવી એપ્સ પર લગામ મૂકવામાં આવી રહી છે. આવો જ એક ઝટકો ગુનેગારોને આપવાની તૈયારી સરકારે કરી છે. સ્પેમ અને ફ્રોડ કોલ્સની માહિતી આપવા માટે એક નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ ‘ચક્ષુ’ નામ આપવામાં આવ્યું છે.
દેશમાં ફ્રોડ કોલ્સ અને સતામણીના કિસ્સા વધી રહ્યા હોવાથી નવી સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય સરકારે લીધો છે, એવી માહિતી સેન્ટ્રલ ટેલિકોમ પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવે આપી છે. તેમણે ડિજિટલ ઈન્ટેલિજન્સ અને ચક્ષુ એમ બે પ્લેટફોર્મને લોંચ કર્યા છે. સંચાર સારથિના પોર્ટલ પર ચક્ષુની લિંક છે. અહીં લોગઈન કરીને ફરિયાદ કરી શકાય છે.
ડિજિટલ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મના માધ્યમથી બેંકો, સોશિયલ મીડિયા તેમ જ અન્ય સંસ્થાઓ સાઈબર ગુનેગારોની માહિતીનું આદાનપ્રદાન કરશે. છેતરપિંડી થાય તો તેની માહિતી તાત્કાલિક માહિતી આપવામાં આવશે. રિયલ ટાઈમ માહિતીનું આદાનપ્રદાન થવાને કારણે છેતરપિંડીને રોકી શકવામાં સફળતા મળશે, એવો વિશ્ર્વાસ અશ્ર્વિની વૈષ્ણવે વ્યક્ત કર્યો હતો.
ચક્ષુને કરો ફરિયાદ
ફ્રોડ, સ્પેમ કે પછી સેક્સટોર્શન જેવા કોલ્સની ફરિયાદ ચક્ષુના માધ્યમથી કરી શકાશે. નાગરિકોને આવેલા કોલ કે પછી મેસેજના સ્ક્રીનશોટ અપલોડ કરવી પડશે. સંબંધિત કોલ કે પછી મેસેજની તારીખ અને સમય વગેરે જેવી માહિતીઓ આપવી પડશે.
બુલેટ્સ…
૫૯ લાખ નંબરને અત્યાર સુધીમાં સંચાર સારથિ પોર્ટલ પર કરવામાં આવેલી ફરિયાદ બાદ બંધ કરવામાં આવ્યા છે.
૧૦ લાખથી વધુ બેંકખાતાં અને પેમેન્ટ વોલેટ સીઝ કરવામાં આવ્યા છે.
૧૦૦૦ કરોડ રૂપિયા સુધીની રકમ છેતરપિંડી થતા અટકાવવામાં આવી છે.
કાર્યવાહી કેવી રીતે થશે
ચક્ષુ પર મળેલી ફરિયાદને આધારે તપાસ કરવામાં આવશે અને એ ગુનામાં સંડોવાયેલા સંબંધિતોની ધરપકડ કરવામાં આવશે. સ્પેમ કોલ કરનારા અને અન્ય શંકાસ્પદ નંબર બંધ કરવામાં આવશે. આને કારણે સાઈબર ગુના પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી શકશે.
કઇ કઇ કેટેગરી છે
સેક્સટોર્શન કોલ કે પછી મેસેજ, સરકારી અધિકારી કે તેમના પરિવારજનો હોવાનું જણાવીને કોલ કરવા, બનાવટ કોલ સેન્ટરના કોલ્સ.
બેંક વીજળી, ગેસ વગેરે માટે સતત આવતા કોલ્સ.
રોબોટિક કે પછી સતત કરવામાં આવતા કોલ્સ.
ઓનલાઈન નોકરી, લોટરી, ભેટ, લોન ઓફર વગેરે માટે આવતા બનાવટી કોલ્સ.
અન્ય શંકાસ્પદ ફ્રોડ કોલ્સ.