પ્રવાસીઓની ‘રવિવારની રજા’ પર રેલવેએ પાણી ફેરવ્યું!
આ અઠવાડિયાના અંત સુધીમાં ટ્રેનોમાં ધાંધિયા રહેવાની શક્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ 26મી જાન્યુઆરી અને રવિવારનો રજાનો દિવસ મુંબઈના પ્રવાસીઓ માટે ભારે હાલાકીભર્યો રહ્યો હતો. મધ્ય રેલવેમાં કર્ણાક પુલ અને પશ્ચિમ રેલવેમાં માહિમ અને બાંદ્રાના પુલના કામકાજ માટે નિર્ધારિત બ્લોકની કામગીરીને કારણે પ્રવાસીઓ માટે ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી, જ્યારે આ અઠવાડિયાના અંત સુધી બ્લોકની કામગીરીને કારણે ટ્રેનોમાં વિલંબ થાય તો નવાઈ નહીં.
સાડાચાર કલાક માટે બ્લોકને લંબાવ્યો
મધ્ય રેલવેમાં મસ્જિદ બંદર નજીકના કર્ણાક બ્રિજના નવનિર્માણ માટે પાલિકા પ્રશાસન દ્વારા બ્લોક લેવામાં આવ્યો હતો. આ બ્લોકની કામગીરી રખડી પડવાને કારણે સવારથી બપોર સુધીની લોકલ ટ્રેનો કલાકો સુધી મોડી પડી હતી. દાદર, ભાયખલામાં પ્રવાસીઓની હકડેઠઠ ભીડ જોવા મળી હતી, જેમાં દાદર સ્ટેશન પર પ્રવાસીઓની એટલી બધી ભીડ હતી કે સ્ટેમ્પેડની સ્થિતિ ઊભી થઈ હતી.
રિસ્ટ્રિક્શન સ્પીડ પર ટ્રેન દોડાવવાની નોબત
બ્લોકમાં મિસમેન્જમેન્ટને કારણે લોકલ ટ્રેનોનું નિયત શેડયૂલ ખોરવાયું હતું. દાદર-સીએસએમટી સેક્શનમાં લોકલ ટ્રેનો પર ક્વોશન ઓર્ડર લગાવવામાં આવ્યો હતો. લોકલ ટ્રેનો પર કલાકના 30 કિલોમીટરની ઝડપથી ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કર્ણાક બ્રિજ ખાતે ગર્ડર લોન્ચ કરવામાં છેલ્લી ઘડીએ રદ્દ કર્યો હતો. ગર્ડર લોન્ચ કરવામાં મુશ્કેલી પડવાની સાથે એક જણને ઈજા પણ પહોંચી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આજે રાતના રેલવેની હદમાં રહેલા પુલનું કામ કરાશે
મધ્ય રેલવે દ્વારા હાલમાં કર્ણાક પુલનું કામ રાત સુધી ચલાવવામાં આવશે અને ત્રીજી ફેબ્રુઆરી સુધીમાં પાંચ તબક્કાવાર કામકાજ ચાલુ રહેશે. આગામી અઠવાડિયાના અંત સુધીમાં લોકલ ટ્રેનસેવા પ્રભાવિત થઈ શકે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : મુંબઈના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે વિન્ટેજ કાર ફિયેસ્ટા-2025નો પ્રારંભ
માહિમ-બાંદ્રાના બ્લોકને કારણે સવારની ટ્રેનસેવા ખોરવાઈ
પશ્ચિમ રેલવેમાં માહિમ અને બાંદ્રા વચ્ચેના બ્રિજ માટેના નિર્ધારિત શુક્રવાર અને શનિવારના નાઈટ બ્લોકની કામગીરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી, પરંતુ રવિવારે પ્રવાસીઓને નિયત સમયે ટ્રાવેલ કરવામાં મુશ્કેલી પડી હતી. સવારના સમયગાળા દરમિયાન બોરીવલીથી ચર્ચગેટની ફાસ્ટ અને સ્લો લોકલ ટ્રેનની સર્વિસ અડધો-અડધો કલાક સુધી ઉપલબ્ધ નહોતી, પરિણામે એક પોણો કલાક પછીની ટ્રેનો એટલી ભીડવાળી હતી કે સિનિયર સિટિઝન યા પરિવાર સાથે ટ્રેનમાં ટ્રાવેલ કરવાનું મુશ્કેલીભર્યું રહ્યું હતું. કાંદિવલી, મલાડ, ગોરેગાંવથી પણ ટ્રેનની સર્વિસ ઉપલબ્ધ નહોતી, એમ મલાડના રહેવાસી મહેશભાઈએ જણાવ્યુ હતું.