મધ્ય રેલવેની નવી પહેલઃ CSMT સ્ટેશન પર શરૂ કર્યો હાઈ-ટેક ‘રિલેક્સ ઝોન’

મુંબઈઃ રેલવે નોન-ફેર રેવન્યુ હેઠળ નવી વિવિધ યોજનાઓ રજૂ કરે છે, જેનાથી મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવામાં અને આવકમાં વધારો કરવામાં મદદ મળે છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે “રિલેક્સ ઝોન” સુવિધાઓના માળખામાં થયેલો નવીનતમ પ્રયોગ છે.
મુસાફરોને શ્રેષ્ઠ સુવિધાઓ આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા, મધ્ય રેલ્વેએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ખાતે એક અત્યાધુનિક રિલેક્સ ઝોન શરૂ કર્યો છે. ક્વિક રેસ્ટ દ્વારા સંચાલિત આ નવી સુવિધા થાકેલા મુસાફરોને તાજગીભર્યો અનુભવ પ્રદાન કરવા માટે રચાયેલ છે, જેમાં ફુલ-બોડી મસાજ ચેર રાખવામાં આવી છે, જે મુસાફરીનો થાક, સ્નાયુઓનો તણાવ દૂર કરવામાં મદદ કરે છે.
CSMT ખાતેનો રિલેક્સ ઝોન અદ્યતન મસાજ ટેકનોલોજી અને સ્વચ્છ બેઠક વ્યવસ્થાથી સજ્જ છે, જે મુસાફરો માટે આરામદાયક અને સલામત અનુભવ સુનિશ્ચિત કરે છે. આ સુવિધા 99 રૂપિયાના નજીવા દરે શરુ થતી ઝડપી મસાજ સર્વિસ આપશે, જે મુસાફરી પછી અથવા મુસાફરી શરૂ કરતા પહેલા આરામ કરવા માંગતા મુસાફરો માટે આશીર્વાદરૂપ બની શકે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
સીએસએમટી ખાતે રિલેક્સ ઝોનએ મધ્ય રેલવેના મુંબઈ વિભાગ દ્વારા શરૂ કરાયેલી બીજી એક પહેલ છે જે ભારતીય રેલ્વેના સ્ટેશનોને અપગ્રેડ કરવા અને મુસાફરોને વિશ્વ કક્ષાની સુવિધાઓ પૂરી પાડવાના તેના પ્રયાસો સાથે સુસંગત છે. રિલેક્સ ઝોનની મુખ્ય વિશેષતાઓ પૈકી અદ્યતન ટેકનોલોજી સાથે ફુલ-બોડી મસાજ ખુરશીઓ હશે. આરામદાયક બેઠકની સાથે 99 રુપિયાના દરે મળશે ઝડપી સર્વિસ મળશે.



