મધ્ય રેલવે હવે ટ્રેનોની સ્પીડ ઘટાડવા આ ડિવાઈઝસની મદદ લેશે…
મુંબઈ: ચોમાસામાં પશ્ચિમી ઘાટ સેક્શનમાં ટ્રેનના પ્રવાસને સુરક્ષિત બનાવવા માટે મધ્ય રેલવે દ્વારા મુંબઈ-પુણે/નાશિક સેક્શનમાં સ્પીડ સેન્સિંગ ડિવાઇસ (સ્પીડ માપતા ઉપકરણ) બેસાડવાની યોજના તૈયાર કરવામાં આવી છે.
સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ટ્રેન ઘાટ વિસ્તારમાં દોડી રહી હશે ત્યારે આ ઉપકરણ એની ઝડપ માપી એના પર નિયંત્રણ લાવી શકશે. ચોમાસા પહેલા મધ્ય રેલવે કર્જત – લોનાવલા અને કર્જત – ઈગતપુરી વિભાગમાં આ ઉપકરણો બેસાડશે. ભોર અને થલ ઘાટમાં આકરા ઢાળ છે. અહીં દર 37 મીટર પછી ટ્રેન એક મીટર ઊંચાઈ તરફ જાય છે.
મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ આપેલી જાણકારી અનુસાર ‘આ ઉપકરણથી રેલવેમાં સલામતી વધવાની સાથે જો કોઈ તબક્કે નિર્ધારીત ઝડપ કરતાં વધુ ગતિએ ટ્રેન આગળ વધતી હશે તો એના પર અંકુશ મૂકી શકાશે’.
હાલના તબક્કે દરેક ટ્રેન સલામતીના કારણસર કર્જત – ખોપોલી – લોનાવલા અને કસારા – ઈગતપુરી વિભાગમાં ચોક્કસ જગ્યાએ ઊભી રાખવામાં આવે છે. પરિણામે બેથી ચાર મિનિટ ટ્રેન થોભ્યા પછી જ ટ્રેન ફરી ઉપડે છે. આ નવા ઉપકરણ બેસાડ્યા બાદ ટ્રેનની ઊભી રહેવાની પ્રક્રિયા બંધ થઈ જશે.